બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન (ફાઇલ ફોટો . (Photo by Heathcliff O'Malley - WPA Pool/Getty Images)

યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને 21 એપ્રિલે તેમની બે દિવસની ભારત મુલાકાતે પહેલાં જણાવ્યું હતું કે એક મોટી આર્થિક શક્તિ અને વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ભારત આ અનિશ્ચિતતાના સમયમાં બ્રિટન માટે ખૂબ મૂલ્યવાન વ્યૂહાત્મક ભાગીદાર છે. બોરિસ જ્હોન્સન વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતથી શરૂ થશે અને નવી દિલ્હીમાં સમાપ્ત થશે. અગાઉ, તેઓ 26 જાન્યુઆરી 2021ના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભારત આવવાના હતા, પરંતુ કોરોના રોગચાળાને કારણે તેમની મુલાકાત રદ કરવામાં આવી હતી.

બ્રિટિશ મીડિયાના જણાવ્યા અનુસાર, આ મુલાકાતનો હેતુ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી શક્તિઓ અને વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક ભારત સાથે વેપાર, સુરક્ષા અને રાજદ્વારી સંબંધો બનાવવાનો છે. આ સિવાય બ્રિટન ભારતને ઉત્પાદન ક્ષેત્રે ચીનના મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે જુએ છે. આવી સ્થિતિમાં વેપાર સંતુલન બનાવવા અને વેપાર વધારવા માટે આ મુલાકાત ખૂબ મહત્વની છે. બ્રિટિશ વડાપ્રધાન કાર્યાલય ડાઉનિંગ સ્ટ્રીટે સ્પષ્ટતા કરી હતી કે બ્રેક્ઝિટના પરિણામે બ્રિટનને મળેલી સ્વતંત્રતાના કારણે જ ભારત સાથે નવા સંબંધો શક્ય બન્યા છે.

ભારતની મુલાકાત પહેલા જોન્સને જણાવ્યું હતું કે કે અમને નિરંકુશ દેશો તરફથી અમારી શાંતિ અને સમૃદ્ધિ સામે ખતરો છે. આવી સ્થિતિમાં લોકતાંત્રિક અને મિત્ર દેશો સાથે રહે તે જરૂરી છે. રોજગાર સર્જન, આર્થિક વિકાસથી લઈને ઉર્જા સુરક્ષા અને સંરક્ષણ સુધી, મારી ભારતની મુલાકાત એવી બાબતો પ્રદાન કરશે જે આપણા બંને દેશોના લોકો માટે ખરેખર મહત્વપૂર્ણ છે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય વૈશ્વિક આર્થિક પડકારો અને નિરંકુશ દેશોની ધમકીઓ વચ્ચે વિશ્વની સૌથી મોટી લોકશાહી સાથે શાંતિ અને સમૃદ્ધિ માટે લાંબા સમયથી ચાલતી ભાગીદારીને ગાઢ બનાવવાનો છે.

આ મુલાકાત આ વર્ષની શરૂઆતમાં શરૂ થયેલી બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરારની વાટાઘાટોમાં પ્રગતિને આગળ વધારવા પર પણ ભાર મૂકશે. આ કરારથી ભારત અને બ્રિટન વચ્ચે દ્વિપક્ષીય વાર્ષિક વેપાર 2035 સુધીમાં વધીને 28 બિલિયન પાઉન્ડ થઈ જશે. આવી સ્થિતિમાં સમગ્ર યુકેના વેતનમાં 3 બિલિયન પાઉન્ડનો વધારો થશે. ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બોરિસ જોન્સન ભારત-યુકે કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પર સંમત થયા હતા. આ દરમિયાન 530 મિલિયન પાઉન્ડના રોકાણ પર પણ સંમતિ સધાઈ હતી. બંને દેશોએ વેપાર, આરોગ્ય, આબોહવા, સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રોમાં ઊંડા દ્વિપક્ષીય સંબંધો વિકસાવવા પર ભાર મૂક્યો હતો.