(Photo by STR/AFP via Getty Images)

સંજય લીલા ભણશાળી (SLB) અત્યારે તેમની મહત્વાકાંક્ષી વેબસીરિઝ ‘હીરામંડી’ માટે તૈયારી કરી રહ્યા છે. જેનું સ્ટ્રીમિંગ નેટફ્લિક્સ પર કરવામાં આવશે. આ બહુચર્ચિત પ્રોજેક્ટમાં વિતેલા જમાનાની જાણીતી અભિનેત્રી જુહી ચાવલા પણ જોવા મળશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ‘હીરામંડી’માં સોનાક્ષી સિંહા, મનીષા કોઇરાલા, નિમરત કૌર, સંજીદા શેખ અને ડાયેના પેન્ટી સહિત કુલ 18 અભિનેત્રીઓ જોવા મળશે. આઠ એપિસોડ્ઝની આ સીરિઝમાં જુહીની ભૂમિકા નાની પણ મહત્વની હશે. તાજેતરમાં ભણશાળી અને જુહી વચ્ચે આ પ્રોજેક્ટ માટે મુલાકાત થઇ હતી અને તેણે વેબસીરિઝમાં કામ કરવાનું સ્વીકાર્યું હતું. તેનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થશે.’

આ સીરિઝમાં ભારત-પાકિસ્તાનના ભાગલાની સ્ટોરી છે અને તેમાં સંજયે પોતાની રીતે થોડા ફેરફાર કર્યા છે. ઓરિજિનલ ‘હીરામંડી’ની કહાની લાહોર આધારિત હતી. જેને અગાઉ શાહી મહોલ્લા પણ કહેવામાં આવતો હતો. સેક્સ વર્કર્સે ત્યાં કબજો જમાવ્યો અને મુજરો કરતી હતી એના પહેલાં ત્યાં મુગલ સામ્રાજ્યના નોકરો રહેતા હતા. ભણસાળી તેને સંગીત-નૃત્યશીખવા માટેના પવિત્ર સ્થળ તરીકે રજૂ કરવા ઇચ્છે છે. ગીત-સંગીતના બે ઘરાના વચ્ચેના મતભેદો પર આ સીરિઝ બનાવવામાં આવી છે.