બ્રિટન સરકારે બાળપણમાં વધતી જતી મેદસ્વીતાનું પ્રમાણ નાથવા એક ક્રાંતિકારી અને “વિશ્વ-અગ્રણી” કહી શકાય તેવા કાયદાનો અમલ શરૂ કર્યો છે. સોમવારથી અમલી બનેલા આ નવા નિયમો મુજબ, ટેલિવિઝન પર રાત્રે ૯ વાગ્યા પહેલાં અને ઓનલાઇન પ્લેટફોર્મ પર કોઈપણ સમયે હાનિકારક જંક ફૂડની જાહેરાતો પ્રસારિત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવાયો છે.
બ્રિટિશ સ્વાસ્થ્ય મંત્રાલયના અંદાજ મુજબ વધુ પડતી ચરબી, મીઠું અને ખાંડ ધરાવતી પ્રોડક્ટ્સ પરના આ પ્રતિબંધથી બાળકોના ખોરાકમાંથી દર વર્ષે અંદાજે ૭.૨ અબજ કેલરી દૂર કરી શકાશે. આ નિર્ણયને કારણે અંદાજે ૨૦,૦૦૦ થી વધુ બાળકોને મેદસ્વીતાના જોખમથી બચાવી શકાશે, તેનાથી દેશની આરોગ્ય સેવાઓને અંદાજે ૨ અબજ પાઉન્ડ ($૨.૭ અબજ)નો આર્થિક ફાયદો થવાની ધારણા છે.
આ નવો કાયદો માત્ર જાહેરાતો પૂરતો મર્યાદિત નથી. સ્થાનિક સત્તાધારીઓને શાળાઓની આસપાસ ફાસ્ટ ફૂડની નવી દુકાનો ખુલતી અટકાવવાની સત્તા પણ આપવામાં આવી છે. આ ઉપરાંત, મિલ્કશેક, તૈયાર કોફી અને ગળ્યા દહીં જેવા પીણાં પર અગાઉથી અમલી ‘સુગર ટેક્સ’નો વ્યાપ પણ વધારાયો છે.
સરકારી આંકડાઓ અનુસાર, ઈંગ્લેન્ડમાં પ્રાથમિક શાળા શરૂ કરતા ૨૨ ટકા બાળકો વધુ વજનના કે મેદસ્વી હોય છે. ૧૧ વર્ષની વય સુધીમાં આ આંકડો વધીને ત્રીજા ભાગ જેટલો (૩૩% થી વધુ) થઈ જાય છે. વધુમાં, ૫ થી ૯ વર્ષના બાળકોમાં હોસ્પિટલમાં દાખલ થવાનું મુખ્ય કારણ ‘દાંતનો સડો’ હોવાનું જણાયું છે.
આરોગ્ય પ્રધાન એશલી ડાલ્ટને જણાવ્યું હતું કે, “આ વ્યૂહરચનાનો મુખ્ય હેતુ નેશનલ હેલ્થ સર્વિસ (NHS) ને માત્ર બીમારીની સારવાર કરવાને બદલે ‘બીમારી અટકાવવા’ (Prevention) પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.”
ઓબેસિટી હેલ્થ એલાયન્સના ડાયરેક્ટર કેથરીન જેનરે આ પગલાને આવકારીને જણાવ્યું હતું કે બાળકોને નુકસાનકારક જાહેરાતોથી બચાવવા માટે લાંબા સમયથી પ્રતિક્ષિત નિર્ણય હતો. ડાયાબિટીસ યુકેના સીઈઓ કોલેટ માર્શલે પણ ચેતવણી આપી હતી કે યુવાનોમાં ટાઈપ-૨ ડાયાબિટીસ વધી રહ્યો છે, જે કિડની ફેલ્યોર અને હૃદયરોગ જેવા ગંભીર જોખમો ઊભા કરી શકે છે.













