દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BAPS સ્વામિનારાયણ મંદિર સંકુલમાં 18મી સદીના યોગી અને આધ્યાત્મિક વડા નીલકંઠ વર્ણીની 42 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા સ્થાપિત કરાઈ હતી. દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટા બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરમાં રવિવારે સ્થાપિત કરાયેલી આ પ્રતિમા દક્ષિણ આફ્રિકાની સૌથી ઊંચી કાંસ્ય પ્રતિમા છે.
તેને નાઇજીરીયાના ઇલે-ઇફેમાં મોરેમી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સાથે આફ્રિકન ખંડ પર સંયુક્ત રીતે ચોથા ક્રમે સૌથી ઊંચી પ્રતિમા તરીકે પણ સ્થાન મેળવ્યું છે.
BAPSએ જણાવ્યું હતું કે વૃક્ષાસન તરીકે ઓળખાતી યોગિક મુદ્રાની આ પ્રતિમા વિશાળ સંકુલના પ્રવેશદ્વાર પર સ્થાપિત કરાઈ છે. તેનો હેતુ શિસ્ત, યુવા આદર્શવાદ અને આંતરિક સંતુલનનું જાહેર પ્રતીક દર્શાવવાનો છે. BAPS મીડિયા પ્રવક્તા હેમાંગ દેસાઈએ જણાવ્યું હતું કે “ધાર્મિક સ્થાપત્ય કરતાં પણ વિશેષ નીલકંઠ વર્ણી મૂર્તિ સ્વ-શિસ્ત, દ્રઢતા, હેતુની સ્પષ્ટતા અને સમાજની સેવાના મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે.”
મુખ્યત્વે તાંબા અને પિત્તળમાંથી બનાવેલી અને આશરે 20 ટન વજન ધરાવતી આ પવિત્ર મૂર્તિ એક પગ પર અનોખી રીતે ગોઠવાયેલી છે, જેને સ્થાનિક નિષ્ણાતોએ એન્જિનિયરિંગનું અસાધારણ પરાક્રમ ગણાવી હતી.
રવિવારે સાંજે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત સ્વયંપ્રકાશ સ્વામીએ આ સમારંભમાં દક્ષિણ આફ્રિકાના નાયબ નાણાપ્રધાન આશોર સરૂપેનની હાજરીમાં દક્ષિણ આફ્રિકાને સત્તાવાર સોંપણી કરી હતી. શ્રી નીલકંઠ વર્ણી ભગવાન સ્વામિનારાયણના કિશોરાવસ્થાનું એક સ્વરૂપ છે. તેમણે 11 વર્ષની ઉંમરે ભારતીય ઉપખંડમાં 12,00 કિલોમીટરથી વધુની સાત વર્ષની યાત્રા શરૂ કરી હતી.














