ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી. આર. ઉધવાણીનું શનિવારે સવારે કોરોનાથી નિધન થયું છે. થોડા દિવસ પહેલા તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. શુક્રવારે રાત્રે તેમની તબિયત વધારે લથડી હતી અને આજે વહેલી સવારે તેમનું નિધન થયું હતું. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત સિટી સિવિલ જજ તરીકે કરી હતી. તેમણે એડવોકેટ તરીકે કૃષ્ણકાંત વખારિયા, નિરૂપમ નાણાવટીને ત્યાં કામ પણ કર્યું હતું. પછી તેમને હાઇકોર્ટમાં બઢતી મળી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત હાઇકોર્ટેના ત્રણ ન્યાયમૂર્તિઓ કોરોનાથી સંક્રમિત થયા હતા, જેમાં જસ્ટિસ એ. સી. રાવ, જસ્ટિસ જી. આર. ઉધવાણી અને જસ્ટિસ આર. એમ. સરીનનો સમાવેશ થાય છે. અગાઉ હાઈકોર્ટેના રજિસ્ટ્રી વિભાગના અનેક કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા.
કોર્ટના ત્રણ જજ કોરોનાથી સંક્રમિત થયા બાદ કોર્ટની કામગીરી શરૂ થાય એ અગાઉ તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ, કોર્ટની કાર્યવાહી શરૂ થાયછે. જુલાઈ મહિનામાં હાઇકોર્ટના આઠ કર્મચારીઓનો કોરોનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હાઇકોર્ટ સંકુલને માઈક્રોકન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું હતું. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટમાં ઓનલાઇન સુનાવણી થતી હતી.