બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અત્યારે પોતાના જીવનના સંસ્મરણોને પુસ્તકરૂપે આખરીરૂપ આપી રહી છે. પ્રિયંકાની જીવનકથા ‘અનફિનિશ્ડ’નું પેંગ્વિન યુકે દ્વારા પ્રકાશન કરાશે અને તે ગુરુવાર, 11 ફેબ્રુઆરીના રોજ પ્રકાશિત કરવામાં આવશે. તેણે 60થી વધુ હોલીવૂડ અને બોલીવૂડ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તેણે અમેરિકન નેટવર્ક ટીવી સીરિઝમાં ભારતમાં જન્મેલ પ્રથમ અભિનેત્રી તરીકે કામ કરીને ઇતિહાસ રચ્યો છે. આ ઉપરાંત તેણે એબીસી સીરિઝની ક્વાન્ટિકોને બે પીપલ્સ ચોઇસ એવોર્ડઝ પ્રાપ્ત થયા છે. ભારતમાં તેનું પદ્મશ્રી એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું અને ટાઇમ મેગેઝિનના ‘ટાઇમ 100’ ઇસ્યુના કવર પેજ પર પણ સ્થાન મળ્યું હતું. ફોર્બ્સની સૌથી શક્તિશાળી વિમેનની યાદીમાં પણ તેને સ્થાન મળ્યું હતું.
પ્રિયંકાની બે મોટી નેટફ્લિક્સ સીરિઝ-વી કેન બી હીરોઝ અને ધ વ્હાઇટ ટાઇગર યુકેમાં જાન્યુઆરી 2021માં પ્રદર્શિત થશે. ગત સપ્તાહે બ્રિટિશ ફેશન કાઉન્સિલે પ્રિયંકાને એમ્બેસેડર ફોર પોઝિટિવ ચેન્જ જાહેર કરી હતી. વધુમાં તે યુનિસેફ ગૂડવિલ એમ્બેસેડર તરીકે પણ કાર્યરત છે. પ્રિયંકા અત્યારે લોસ એન્જલસમાં પતિ નિક સાથે રહે છે.