જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો દૂર કરતી કલમ 370 નાબૂદી અને બિહારની મતદાર યાદીમાં સુધારો સહિતના અનેક સીમાચિહ્નરૂપ ચુકાદાઓનો ભાગ રહેલા ન્યાયાધીશ સૂર્યકાંતે સોમવારે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સંક્ષિપ્ત સમારોહમાં ન્યાયાધીશ કાંતને શપથ લેવડાવ્યા હતાં.
જસ્ટિસ સૂર્યકાંતને આ વર્ષની 30 ઑક્ટોબરે આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ આ પદ પર લગભગ 15 મહિના સુધી સેવા આપશે. તેઓ 9 ફેબ્રુઆરી, 2027ના રોજ 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થશે.
આ શપથ સમારોહ ઐતિહાસિક રહ્યો હતો. જસ્ટિસ સૂર્યકાંતના શપથ સમારોહમાં સાત દેશના જજો સામેલ થયા હતા. આ સાથે વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતાં.
નવા CJI સૂર્યકાંતનો જન્મ 10 ફેબ્રુઆરી, 1962ના રોજ હરિયાણાના હિસાર જિલ્લામાં થયો હતો. તેમનો પરિવાર મધ્યમ વર્ગનો પરિવાર હતો. ત્યાંથી જ તેમણે કાયદા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને વકીલ તરીકેની કારકિર્દીની શરુઆત કરી હતી. તેઓ 2011માં કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી કાયદાના માસ્ટરમાં “પ્રથમ વર્ગમાં પ્રથમ” ક્રમ મેળવવાનું ગૌરવ પણ ધરાવે છે.














