• ડો. કૈલાસ ચાંદ

2021ની શરૂઆત ભાગ્યે જ લોકોની અપેક્ષા મુજબ થઈ છે, કારણ સ્પષ્ટ છે કે વાયરસ બદલો લઈને આપણી પાસે પાછો આવ્યો છે. જો કે, ત્રણ રસીના સ્વરૂપમાં આશા છે, અને આ વર્ષે વધુ રસી આવશે. NHS પરિવારની પ્રતિબદ્ધતા બદલ આભાર, પ્રથમ ચાર અગ્રતા જૂથોનું રસીકરણ કરવા માટે સરકારના લક્ષ્યાંકને પહોંચી વળવાના પ્રયાસમાં પાંચ મિલિયનથી વધુ લોકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે. જેસીવીઆઈની ભલામણ  મુજબ ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં 13.9 મિલિયન લોકોને રસી અપાશે.

ભયજનક વાયરસને હરાવવા માટે આપણી પાસે નિર્ણાયક રાષ્ટ્રીય અભિયાનની પ્રારંભિક સફળતા ચોક્કસ છે, પરંતુ, ચિંતા વધી રહી છે કે સરકારની બે ડોઝની વ્યૂહરચનામાં ગંભીર ખામી છે. બીજા ડોઝને 12 અઠવાડિયા સુધી લંબાવવાની સરકારની સલાહ, ફાઈઝર / બાયોએનટેક ટ્રાયલના ડેટા પર આધારિત નથી. રાજકીય લાભ માટે અથવા પૂર્વધારણા પેદા કરવા માટે આવી ધારણાઓ ઉપયોગી થઈ શકે છે, પરંતુ અસરકારક ડોઝિંગને વ્યવહારમાં ફેરફાર કરવા માટે પૂરતા કારણ નથી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ‘લોકોને ફાઈઝર અને બાયોએનટેક રસીના 2 ડોઝ 21થી 28 દિવસની અંદર મળવા જોઈએ.’ ઇઝરાઇલ તરફથી એવા સૂચનો પણ મળ્યા છે કે, પહેલા ડોઝથી પૂરતુ રક્ષણ મળશે એ મૂળ વિચારણા કરતા ઘણું ઓછું હોઈ શકે.

વિજ્ઞાન કહે છે કે કોઈ ચોક્કસ ડોઝિંગ શેડ્યૂલમાં અસરકારક સાબિત થતી રસીના ડોઝને નક્કર વૈજ્ઞાનિક ટેકા અથવા પુરાવા વિના બદલી શકાતી નથી. ઑક્સફર્ડ / એસ્ટ્રાઝેનેકા દ્વારા તેમના અધ્યયનમાં ઉપયોગમાં લેવામાં આવેલી રસી એક અલગ પ્રકારની રસી (વાયરલ વેક્ટર ડીએનએ) છે, જેના માટે અન્ય સમાન રસીના અગાઉના ડેટા મેળવાયા છે, અને તેથી તેના બીજા ડોઝને 12 અઠવાડિયા પછી આપવામાં આવે તો વાંધો નથી. પરંતુ, તે ફાઇઝર / બાયોએનટેક રસી માટે સાચું નથી, જે એક અલગ પ્રકારની રસી (mRNA) છે.

ધ જોઇન્ટ કમીટી ઓન વેક્સીનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશનની સલાહ – અને ચારેય રાષ્ટ્રના ચિફ મેડિકલ ઓફિસરના સમર્થન બાદ ડોઝની બીજી માત્રાને ચારથી 12 અઠવાડિયા સુધી લંબાવી દેવાનો નિર્ણય ટ્રાયલના ડેટા પર આધારિત નથી, પરંતુ ઘણા બધા લોકોને રસી આપી દેવાની રાજકીય ઇચ્છા પર આધારિત છે. અસરકારક ડોઝ આપવાના વ્યવહારમાં ફેરફાર કરવા માટે આ એક પૂરતું કારણ છે તે માનવા હું સંમત નથી.

સ્વતંત્ર વૈજ્ઞાનિકોને અસલ ચિંતા એ છે કે બીજુ ઈન્જેક્શન 28 દિવસ પછી લંબાવી રસીની અસરકારકતા સાથે ચેડા કરાય છે. રાજકારણીઓ દ્વારા વધુ લોકોને રસી આપીને કવરેજ વધારવાના હેતુથી પહેલાથી જ ઉચ્ચ જોખમ ધરાવતા અગ્રતા જૂથોમાં જોખમ વધી શકે છે.

BAME સમુદાયો કોવિડ રસી પ્રાપ્ત કરવા વિશે ખરેખર ચિંતિત છે. રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થ દ્વારા રાષ્ટ્રીય સ્તરે હાથ ધરાયેલ સર્વેમાં જણાયું હતું કે યુકેમાં 79 ટકા શ્વેત લોકોની તુલનામાં માત્ર 57  ટકા લોકો જ રસીને સ્વીકારે છે. તેથી, રસીનો બીજો ડોઝ આપવામાં 12 અઠવાડિયા સુધી વિલંબ કરવાથી રસીકરણ પ્રોગ્રામના આત્મવિશ્વાસને વધુ નુકસાન થશે.

ફાઈઝર / બાયોએનટેક અને ડબ્લ્યુએચઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે રસીનો પ્રથમ ડોઝ ત્રણ અઠવાડિયાથી વધુ સમય બાદ અસરકારક નિવડે છે તે સૂચવવા માટે કોઈ ડેટા નથી. વૃદ્ધ લોકો, હેલ્થ વર્કર અને BAME સમુદાયો માટે આ અવિશ્વસનીય દુ:ખદાયક છે, જેમણે વિચાર્યું હતું કે તેઓ સુરક્ષિત રહેશે.

રાજકારણીઓ કરતાં ખરેખર તો રીસર્ચર્સ અને વૈજ્ઞાનિકો કે જેમણે આ રસી તૈયાર કરી છે તેમનું  સાંભળવું જોઈએ. જો ચિફ મેડિકલ ઓફિસર વૈજ્ઞાનિક તથ્યો અને પુરાવાઓને અવગણીને રસીનો બીજો ડોઝ 12 સપ્તાહે આપવાના નિર્ણયને પલટશે નહિં તો મહત્વાકાંક્ષી રસી રોલઆઉટને ભારે આંચકો લાગશે. ત્યાં લાંબા ગાળાનું નુકસાન છે; તબીબી સમુદાય પહેલેથી જ ચિંતિત છે કે વિજ્ઞાન રાજકીય દખલનું સાધન બની ગયું છે.