શક્ય તેટલા વધુ લોકોને સુરક્ષા પ્રદાન કરવાના પ્રયાસમાં રસીના બે ડોઝ વચ્ચેનું અંતર 12 અઠવાડિયા સુધી વધારવાના સરકારના નિર્ણય અંગે સતત વિવાદ ચાલી રહ્યો છે. સરકારે કહે છે કે યુકેમાં વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ મળે તે માટે મહત્તમ સમયગાળો ત્રણથી 12 અઠવાડિયા સુધી લાંબો કરવાનો “જાહેર આરોગ્ય નિર્ણય” છે. બીજી તરફ બ્રિટિશ મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડૉ. ચંદ નાગપૌલે સરકારને કોરોનાવાયરસ રસીના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું નવુ સુચીત અંતર ઘટાડવા માટે વિનંતી કરી છે. કોવિડ રસી માટે 12 અઠવાડિયાના અંતરે રસીનો ડોઝ આપવાના નિર્ણયનું મૂલ્યાંકન કરવા માટે નિષ્ણાતોએ વધુ સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.

અજમાયશના કેટલાક પુરાવા એવા છે કે બે ડોઝ વચ્ચે 12 અઠવાડિયાનું અંતર રાખવાથી ઑક્સફર્ડ / એસ્ટ્રાઝેનેકા રસીની અસરકારકતા ઓછી થતી નથી, જ્યારે ફાઇઝરે કહ્યું છે કે તેની પાસે પ્રથમ ડોઝની અસરકારકતાને ત્રણ અઠવાડિયા કરતાં પણ વધુ સમય ટકાવી રાખવાથી સુરક્ષિત રહેવાય છે તેવો કોઇ ડેટા નથી.

JCVIના પ્રો. એન્થની હાર્ન્ડેનએ જણાવ્યું હતું કે ‘’સમિતિ માને છે કે આ અભિગમ આગળ વધવાનો યોગ્ય માર્ગ છે. આશા છે કે બે ડોઝ વચ્ચે 12 સપ્તાહનું અંતર રાખવાની આ વ્યૂહરચનાથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવશે અને સંવેદનશીલ વૃદ્ધોનું રક્ષણ કરવા સાથે હજારો લોકોનો જીવ બચાવી શકાશે. ફાઇઝર / બાયોએનટેક રસી જેવા જ સમાન અભિગમ પર આધારિત મોર્ડેનાની રસીનો પહેલો ડોઝ લીધા બાદ બે મહિના પછી તે રસી લેનારમાં 90% ઇમ્યુનિટી પેદા કરે છે.’’

મોડેર્ના જેબની અસરકારકતા પ્રથમ ડોઝના એકથી 108 દિવસની અંદર લગભગ 1 હજાર લોકોમાં 80% સુધી પહોંચી છે જ્યારે પ્રથમ જેબના ઓછામાં ઓછા 14 દિવસોમાં બીજો ડોઝ લેવામાં આવે ત્યારે તે 90% કરતા વધારે અસરકારક નિવડી છે.

150,000 ડોક્ટર્સનું પ્રતિનિધિત્વ કરતા બ્રિટિશ મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડૉ. ચંદ નાગપૌલે ચિંતા વ્યક્ત કરતાં ચેતવણી આપી હતી કે સરકારના આ પગલાને ન્યાયી ઠેરવવો મુશ્કેલ છે. કોવિડ-19 રસીની બીજી માત્રામાં વિલંબ થવાથી રોગચાળાને સમાપ્ત કરવાના પ્રયત્નો પર “વિનાશક” અસર પડી શકે છે. તેનો સમયગાળો છ અઠવાડિયાનો કરવો જોઇએ. યુ.કે. અને અમેરિકન વૈજ્ઞાનિકો અને મેડિક્સ પણ આવો જ મત ધરાવે છે.

નાગપૌલે ઇંગ્લેન્ડના ચિફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વ્હીટીને પત્ર લખીને રસી ડોઝ વચ્ચેના અંતરને છ અઠવાડિયા સુધીનું કરવા જણાવ્યું છે. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે “યુકેના આ અભિગમ માટે કોઈપણ આંતરરાષ્ટ્રીય સમર્થનની ગેરહાજરી એ ઉંડી ચિંતા અને જોખમોનું એક કારણ છે જે રસીકરણ કાર્યક્રમમાં જાહેર અને પ્રોફેશનલ્સના વિશ્વાસને નુકસાન પહોંચાડે છે.’’

બીબીસી બ્રેકફાસ્ટ શો સાથે વાત કરતાં ડૉ. નાગપૌલે જણાવ્યું હતું કે ‘’હું કોરોનાવાયરસ રસીનો બીજો ડોઝ 12 અઠવાડિયા સુધી વિલંબ કરવાના નિર્ણય પાછળનો “તર્ક” સમજુ છું, પરંતુ યુકેએ બેસ્ટ પ્રેક્ટીસને ફોલો કરવી જોઇએ.’’

તેમણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના વિશ્લેષણ પર પ્રકાશ પાડ્યો હતો કે ફાયઝર રસીનો બીજો ડોઝ લંબાવવાની ભલામણ માત્ર “અપવાદરૂપ સંજોગોમાં” થવી જોઇએ અને તે મહત્તમ છ અઠવાડિયા સુધી જ થવી જોઇએ. આવા સંજોગોમાં યુકેએ આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક અભિપ્રાયના આધારે શ્રેષ્ઠ પ્રથા અપનાવવી જોઈએ. બીજા કોઈ દેશે યુકે જેવો અભિગમ અપનાવ્યો નથી.”

રવિવારે જાહેર થયેલા સરકારી આંકડા મુજબ, યુકેમાં કુલ 6,353,321 લોકોએ કોવિડ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે.