(ANI Photo)
અયોધ્યામાં શ્રી રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા પછી કંગના રણોતે તેની નવી ફિલ્મ ‘ઈમરજન્સી’ની રિલીઝ ડેટ જાહેર કરી હતી. કંગનાએ આ બહુચર્ચિત ફિલ્મને 14 જૂને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. કાર્તિક આર્યનની ફિલ્મ ચંદુ ચેમ્પિયન માટે અગાઉથી આ તારીખ જાહેર થયેલી છે ત્યારે કંગનાના આ નિર્ણયથી જૂન મહિનામાં બોક્સઓફિસ પર બંને ફિલ્મો ટકરાશે તેવા સંજોગ ઊભા થયાં છે.
કંગનાએ ‘ઈમરજન્સી’માં દેશનાં ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ કર્યો હતો. આમ તો આ ફિલ્મ ગત વર્ષે રિલીઝ થવાની હતી, પરંતુ અન્ય મોટા બજેટની ફિલ્મો સાથે સીધી ટક્કર લેવાના બદલે તેને સ્થગિત કરાઈ હતી. કંગનાએ રિલીઝ માટે નવી તારીખ જાહેર કરી છે, જેને જોતાં તેનો સીધો મુકાબલો કાર્તિક આર્યન સાથે થવાની શક્યતા છે. કબીર ખાનના ડાયરેક્શનમાં બનેલી ‘ચંદુ ચેમ્પિયન’ને 14 જૂને રિલીઝ કરવાની જાહેરાત અગાઉથી થયેલી હતી.
કબીર ખાને અગાઉ સોશિયલ મીડિયામાં પોસ્ટર શેર કરીને રિલીઝ ડેટ જણાવી હતી. આ વખતે 16 જૂન રવિવારે બકરી ઈદ આવે છે. તહેવાર અને વીકેન્ડને ધ્યાને રાખીને કંગનાએ ફિલ્મની રિલીઝ ડેટ નક્કી કરી હતી. અગાઉ કંગનાની ઇચ્છા તેની ફિલ્મને ગત વર્ષે 24 નવેમ્બરે રિલીઝ કરવાની હતી, પરંતુ આ સમયગાળામાં બિગ બજેટ ફિલ્મો આવતી હોવાથી કંગનાએ પીછેહઠ કરી હતી. આ ટીઝરમાં ઈમરજન્સીના સમયનો ઉલ્લેખ જોવા મળે છે. ફિલ્મમાં અનુપમ ખેરે લોકનાયક જયપ્રકાશ નારાયણનો રોલ કર્યો છે.

LEAVE A REPLY

3 × 1 =