બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોમ્બે હાઇકોર્ટે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની વિરુદ્ધ FIR રદ કરવાનો મંગળવારે ઇનકાર કર્યો હતો. જોકે કોર્ટે જણાવ્યું હતું કે કંગના અને તેની બહેન રંગોલીની હાલમાં ધરપકડ થશે નહીં અને બંનેએ 8 જાન્યુઆરીએ બપોરે 12થી 2 વચ્ચે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે. મહારાષ્ટ્ર સરકારે સોસિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકવા બદલ બંને બહેનો પર કેસ દાખલ કરેલો છે.

કોર્ટમાં સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કંગના પર રાજદ્રોહની કલમ લાદવા બદલ પોલીસને ઠપકો પણ આપ્યો હતો. મુંબઈ પોલીસે કંગના અને રંગોલીને ત્રણ વખત સમન્સ મોકલ્યું હતું. પરંતુ તે હાજર ન થઈ, અને સોમવારે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને FIR રદ કરવાની અને સમન્સ પર સ્ટે આપવાની અપીલ કરી હતી. કોર્ટે સમન્સ મળ્યા બાદ પણ કંગનાને પોલીસની સામે રજૂ ન થવા પર સવાલ કર્યા હતા. તેના પર કંગનાના વકીલે તેઓ શહેરની બહાર હોવાનું કહ્યું હતું. કોર્ટે કંગનાને મુંબઈ પરત ફરવાની તારીખ પૂછી હતી ત્યારે આ અંગે વકીલ સ્પષ્ટ જવાબ આપી શક્યા ન હતા.