(Photo by Boris Streubel/Getty Images for Laureus)

ભારતને પહેલી વખત વર્લ્ડ કપ જીતાડનાર ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવને શુક્રવારે હાર્ટ એટેક આવ્યો હતો અને નવી દિલ્હીમાં એક હોસ્પિટલમાં તેમની તાકીદની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. 61 વર્ષીય કપિલની તબિયત હાલમાં સ્થિર છે.

નવી દિલ્હીની ફોર્ટિસ એસ્કોર્ટના સત્તાવાર નિવેદન મુજબ કપિલદેવની તબિયત હાલમાં સ્થિર છે અને બે દિવસમાં ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે. કપિલ દેવને છાતીમાં દુખાવાને કારણે 23 ઓક્ટોબરે સવારે 1 વાગ્યે ફોર્ટિસ એસ્કોર્ટસ હાર્ટ ઇન્સ્ટીટ્યૂટના ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તાકીદની કોરોનરી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

જોકે આ ખબર આવ્યા બાદ ક્રિકેટ ચાહકો દ્વારા સોશ્યલ મીડિયા પર તેમના સાજા થવા માટે પ્રાર્થના શરુ થઈ ગઈ હતી. ભારતને 1983માં કપિલ દેવની કેપ્ટનશિપ હેઠળ વર્લ્ડ કપમાં જીત મળી હતી. એ પછી ભારતમાં ક્રિકેટ વધારેને વધારે લોકપ્રિય રમત બની હતી.
કપિલ દેવની ગણના વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે. કપિલે પોતાની કેરિયરમાં 131 ટેસ્ટ અને 225 વન ડે મેચ રમી છે. ટેસ્ટમાં કપિલે 5248 રન ફટકાર્યા છે અને 434 વિકેટો લીધી છે, જ્યારે વન ડે ઈન્ટરનેશનલમાં 3783 રન બનાવવા સાથે 253 વિકેટો મેળવી છે. કપિલે પોતાની આખરી ઈન્ટરનેશનલ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે ફરીદાબાદમાં રમી હતી.