યુકે પાર્લામેન્ટમાં તા. 23ના રોજ ભારતીય કાશ્મીરમાં માનવાધિકારના કહેવાતા હનન, એમ્નેસ્ટી ઇન્ટરનેશનલને બંધ કરવા બંધારણની કલમ 370 અને 35Aને રદ કરવા બાબતે કાશ્મીર પર યુકેના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપના સંસદ સભ્યોએ હાઉસ ઓફ કોમન્સમાં મૂકેલા પ્રસ્તાવ અંતર્ગત 20થી વધુ ક્રોસ-પાર્ટી સભ્યોએ ચર્ચામાં ભાગ લઇ લાગલગાટ બે કલાક સુધી ચર્ચા કરી હતી. જેમાં ભારતીય સુરક્ષા દળો દ્વારા લઘુમતી સમુદાયના લોકો પર અત્યાચાર કરવામાં આવતા હોવાના પોકળ દાવાઓ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો.

લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનના એક મિનિસ્ટરે પોતાના વડાપ્રધાન મોદી પર કરવામાં આવેલા આક્ષેપો અને ઉપયોગમાં લેવાયેલી ભાષા પર સખત પ્રતિક્રિયા વ્યક્ત કરી નિંદા કરી જણાવ્યું હતું કે ‘’કોઈપણ ફોરમમાં કોઈ પણ નિવેદન કરતાં પહેલાં દેશના અભિન્ન ભાગ સાથે સંબંધિત વિષય પર તથ્યો સાથે યોગ્ય રીતે સાબિત કરવાની જરૂર છે. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. દુ:ખની વાત છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના ચૂંટાયેલા નેતા સામે ખોટા દાવાઓ કરવા સાથી લોકશાહીની એક ઓગસ્ટ સંસ્થાનો દુરુપયોગ થયો છે.’’  પાકિસ્તાની મૂળના લેબર સાંસદ નાઝ શાહે 2002ના ગુજરાત રમખાણો પર વક્તવ્ય આપતાં આક્ષેપો કર્યા હતા.

લેબર સાંસદ ડેબી અબ્રાહમસ, પાકિસ્તાન મૂળના લેબર સાંસદ યાસ્મીન કુરેશી અને પાકિસ્તાની મૂળના મતદારો ધરાવતા ખાસ કરીને લેબર સાંસદો અને કેટલાક કન્ઝર્વેટિવ્સના સાંસદોએ કાશ્મીરમાં માનવાધિકાર પર હાઉસ ઓફ કોમન્સમાં ચર્ચામાં ભાગ લીધો હતો.

સરકારના પ્રતિનિધિ અને યુકેના ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસમાં એશિયા માટેના મિનિસ્ટર અમન્ડા મિલિંગે સાંસદોને જણાવ્યું હતું કે ‘’ભારત અને પાકિસ્તાને પરિસ્થિતિનો કાયમી રાજકીય ઉકેલ શોધવો જોઈએ. યુકે તેનો ઉકેલ લાવી ન શકે કે મધ્યસ્થી તરીકે પણ કામ કરી ન શકે. કોઈપણ ત્રીજા પક્ષની બાહ્ય મધ્યસ્થી ભારત અને પાકિસ્તાન ઇચ્છે તો જ થઇ શકે. અમે નિયમિતપણે માનવાધિકાર અને કાશ્મીરની પરિસ્થિતિ અંગે પાકિસ્તાન અને ભારતની સરકારોમાં વરિષ્ઠ સ્તરે અમારી ચિંતા વ્યક્ત કરીએ છીએ.”

ભારતનો બચાવ કરનારા કેટલાક સાંસદોમાંના એક કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને કહ્યું હતું કે ‘’જમ્મુ અને કાશ્મીર રજવાડાના ભાગનો પાકિસ્તાન દ્વારા કરાયેલો ગેરકાયદે કબજો બંધ થવો જોઈએ. જ્યારે તેનો હલ આવે પછી જ આપણે સંયુક્ત રાષ્ટ્રના અન્ય ઠરાવો વિશે વાત કરી શકીએ. કાશ્મીરને કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદીઓએ કલંકિત કર્યું છે. જો સૈનિકો પાછા ખેંચી લેવાય અને સુરક્ષા ન હોય તો, જમ્મુ અને કાશ્મીરની દુર્દશા અફઘાનિસ્તાન જેવી જ થશે, ઇસ્લામિક દળો આવીને આ વિસ્તારમાં લોકશાહીને ખતમ કરશે.”

આ ચર્ચામાં ભાગ લેનારા ઘણા સાંસદો મોટી મીરપુરી વસ્તી ધરાવતા મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. કેટલાકનું પાકિસ્તાન સરકારે સ્પષ્ટપણે લોબિઇંગ કર્યું હોય તેમ જણાયું હતું અને તેમણે કાશ્મીરમાં ભારતના કથિત માનવાધિકાર ભંગની નિંદા કરી હતી. ઘણાએ કહ્યું હતું કે માનવાધિકાર “દ્વિપક્ષીય મુદ્દો નથી” અને “બહુપક્ષીય મુદ્દો” છે અને યુએનના માનવાધિકાર અધિકારીઓને એલઓસીની બંને બાજુઓ સુધી પહોંચવા અને બ્રિટન માટે આ ક્ષેત્રમાં શાંતિ સુલભ કરવામાં મોટી ભૂમિકા ભજવવાની હાકલ કરી હતી.

લેબર સાંસદ યાસ્મીન કુરેશીએ કહ્યું હતું કે “આ સંસદમાં આપણે અફઘાનિસ્તાનમાં છોકરીઓના અધિકારોની વાત કરીએ છીએ, પરંતુ ભારતના કબજા હેઠળના કાશ્મીરમાં છોકરીઓના અધિકારો વિશે શું?”

કન્ઝર્વેટિવ સાંસદ પોલ બ્રિસ્ટોએ કાશ્મિરને “ભારતીય કબજા હેઠળનું કાશ્મીર” ઓળખાવી રોહિંગ્યા અને ઉઇગુર સામેના અન્યાયની ચિંતા કરીએ છીએ, તેમ કાશ્મીરીઓ સામેના અન્યાયની પણ કાળજી રાખવા જણાવ્યું હતું.

લેબર સાંસદ ડેબી અબ્રાહમ્સે કહ્યું હતું કે “આ ચર્ચા કોઈ દેશના તરફી કે વિરોધી નથી; તે માનવાધિકાર તરફી છે.” અબ્રાહમ્સે બ્રિટિશ સરકારને “કાશ્મીરમાં સંઘર્ષ નિવારણ અને શાંતિ નિર્માણમાં સરકારના યોગદાન પર હાઉસ ઓફ કોમન્સમાં વાર્ષિક નિવેદન આપવા હાકલ કરી હતી. આ જ ડેબી અબ્રાહમ્સને માન્ય વિઝા ન હોવાના કારણે 17 ફેબ્રુઆરી, 2020ના રોજ ભારતમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હાત. ત્યાંથી તેઓ બીજા દિવસે તે પાકિસ્તાન ગયા હતા અને ત્યાંના પીએમ ઈમરાન ખાનને મળ્યા હતા. તેમની તે મુલાકાત માટે પાકિસ્તાન સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.

શેડો મિનિસ્ટર સ્ટીફન કિનોકે સત્તાવાર લેબર લાઇન રજૂ કરતા પ્રસ્તાવ મૂક્યો હતો કે બ્રિટિશ સરકારે માનવ અધિકારોની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને સંસદમાં રિપોર્ટ કરવા માટે જમ્મુ-કાશ્મીર એક પ્રતિનિધિમંડળ મોકલવું જોઇએ.

કન્ઝર્વેટિવ સાંસદ સ્ટીવ બેકરે કહ્યું હતું કે ‘’મને પાકિસ્તાન હાઇકમિશન તરફથી મળેલા પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભારતે 30 જુલાઈ, 2019 ના રોજ એલઓસી પર નાગરિક વસ્તી પર ક્લસ્ટર બોમ્બ વડે હુમલો કર્યો હતો. બ્રિટિશ સરકારના સુરક્ષાને લગતા એટેચીને ત્યાં તપાસ કરવા મોકલવામાં આવ્યા હોત તો સાચી વાતની ખાતરી થઇ શકી હોત. જો  આ સાચું હોય તો તે “માનવતા વિરુદ્ધનો ગુનો” છે.’’

લેબર સાંસદ લિયામ બાયર્ને કહ્યું હતું કે ‘’જ્યાં સુધી માનવ અધિકારોનું પાલન ન થાય ત્યાં સુધી ભારત અથવા પાકિસ્તાન સાથે કોઈ વેપાર સોદો થવો જોઈએ નહીં.‘’

લેબર સાંસદ તાહિર અલીએ કહ્યું હતું કે ‘’કાશ્મીરના લશ્કરી કબજાના અંત ન આવે ત્યાં સુધી ચીનના રાજદૂતની જેમ ભારતીય હાઈ કમિશનરને “સંસદીય એસ્ટેટમાં પ્રવેશવા પર પ્રતિબંધિત કરવા જોઈએ.’’

ટોરી પાર્ટીના થેરેસા વિલિયર્સે કહ્યું હતું કે ‘’ગત વર્ષે કાશ્મીરમાં યોજાયેલી ચૂંટણીઓ સકારાત્મક સંકેત છે. લોકશાહી તરીકે ધાર્મિક લઘુમતીઓને સંપૂર્ણ બંધારણીય રક્ષણ મળે છે અને હું માનું છું કે ભારતની અદાલતો અને સંસ્થાઓ કથિત માનવાધિકારના ઉલ્લંઘનની યોગ્ય રીતે તપાસ કરવામાં સક્ષમ છે.”

પાકિસ્તાન અંગે, લેબર સાંસદ બેરી ગાર્ડિનરે પાકિસ્તાની વહીવટીતંત્ર દ્વારા આશ્રિત આતંકવાદી શિબિરો વિશે વાત કરી તેની સરખામણી પાડોશી અફઘાનિસ્તાન સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે “વર્ષોથી પાકિસ્તાને અને ISIએ તાલિબાન નેતાઓને આશ્રય આપ્યો છે અને અન્ય આતંકવાદી સંગઠનોને અન્ય પ્રકારનું સમર્થન આપ્યું છે.”