શુક્રવાર, 17 સપ્ટેમ્બરે સાઉથ-ઇસ્ટ લંડનના કિડબ્રૂકમાં 28 વર્ષીય સબીના નેસાની હત્યા કરવા બદલ ટર્મિનસ રોડ, ઇસ્ટબોર્નના 36 વર્ષના કોસી સેલામજને સામે 27 સપ્ટેમ્બર, સોમવારે તહોમત મૂકવામાં આવ્યું હતું. તેને 28 સપ્ટેમ્બર, મંગળવારે વિલ્સડન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાશે. સેલમાજની 26 સપ્ટેમ્બર રવિવારે વહેલી સવારે ઇસ્ટબોર્ન, ઇસ્ટ સસેક્સમાં ધરપકડ કરવામાં આવી હતી.

સોમવાર, 27 સપ્ટેમ્બરે ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસને એક ફાઇલ સબમિટ કરવામાં આવી હતી અને તેની પરનો ચાર્જ અધિકૃત કરવામાં આવ્યો હતો.

પ્રાયમરી શાળાની 28 વર્ષીય શિક્ષિકા સબીના નેસાની શુક્રવાર, 17 સપ્ટેમ્બરના રોજ  થયેલી હત્યા અંગે તપાસ કરતી પોલીસે પકડેલ શકમંદ આરોપી સસેક્સના ઇસ્ટબોર્ન સ્થિત ટર્મિનસ રોડ પર આવેલા બર્ગર બાર પાછળના ફ્લેટમાં રહેતો 36 વર્ષીય આરોપી ‘ફાસ્ટ ફૂડ ડિલિવરી ડ્રાઈવર હોવાનું બહાર આવ્યું છે. સબીનાની હત્યાની શંકાના આધારે આ અગાઉ બે જણાની અલગથી ધરપકડ કરવામાં આવી છે અને તેમને તપાસ હેઠળ છોડવામાં આવ્યા છે.

મેટ્રોપોલિટન પોલીસે આ ધરપકડને “નોંધપાત્ર વિકાસ” ગણાવી શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવા 36 કલાકની મંજૂરી મેળવી હતી. પોલીસે મૃતદેહ મળ્યાના બીજા દિવસે હત્યાની શંકાના આધારે પકડેલા 40ના દાયકાના એક માણસને વધુ તપાસ હેઠળ મુક્ત કર્યો હતો.

કહેવાય છે કે પકડાયેલો આરોપી મે અને જુલાઈ વચ્ચે ડોમિનોઝ માટે પિઝા ડીલીવરીનું કામ કરતો હતો અને તેણે તે વિસ્તારમાં કામ કરવાનું ચાલુ રાખ્યું છે. તે ઘણા વર્ષોથી ત્યાં રહે છે. ફોરેન્સિક ટીમ અને ડિટેક્ટીવ્સ ઇસ્ટબોર્નથી પકડાયેલા આરોપીના ઘરમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. અહેવાલો મુજબ પકડાયેલ આરોપી અલ્બેનિયન મૂળનો છે અને થોડા સમયથી ફ્લેટમાં એક મહિલા સાથે રહેતો હતો. ધ સનના અહેવાલ મુજબ તે મહિલા તેની રોમાનિયન મૂળની પત્ની હતી અને તેઓ એક મહિના પહેલા અલગ થઈ ગયા હતા. આરોપી છેલ્લા એક વર્ષથી રેલવે સ્ટેશન નજીકના આ ફ્લેટમાં રહેતો હોવાનું જણાયું હતું.

પોલીસે સબીના જ્યાં છેલ્લે જોવા મળી હતી તે કિડબ્રુક, સાઉથ ઇસ્ટ લંડનમાં ઝડપાયેલી સીસીટીવીની તસવીરો બહાર પાડી હતી જેમાં પોલીસ એક માણસ અને સીલ્વર કારને શોધી રહી છે. પોલીસે સીસીટીવીમાં દેખાયેલ માણસની જ ધરપકડ કરી છે કે કેમ તેની હજી સુધી પુષ્ટિ થઈ શકી નથી. એજ રીતે મેટ પોલીસે જણાવેલ વર્ણન સાથે મેળ ખાતી નિસાન માઇક્રા કારને પોલીસે ઇસ્ટબોર્નમાંથી જપ્ત કરી હતી. જેની મેટ પોલીસ ગેરેજમાં તપાસ ચાલી રહી છે. જોકે પોલીસે તે કાર આ કેસ સાથે જોડાયેલ છે કે કેમ તે કહેવાનો ઇનકાર કર્યો હતો.

પોલીસ અધિકારીઓનું માનવું છે કે 28 વર્ષીય શિક્ષિકા નેસા શુક્રવારે રાત્રે લગભગ 8-30 કલાકે એસ્ટેલ રોડ સ્થિત તેના ઘરેથી નીકળીને ધ ડેપો બારમાં મિત્રને મળવા ચાલીને જઇ રહી હતી ત્યારે તેણીના ઘરેથી પાંચ મિનિટની અંદર આવેલા કેટર પાર્કમાં તેના પર હુમલો થયો હતો. કહેવાય છે કે તે પહેલા જે તે તેને ‘કેટલાક સમયથી’ ઓળખાતી વ્યક્તિ સાથે ફ્રસ્ટ ડેટ માટે બહાર જઈ રહી હતી.

ડિટેક્ટિવ્સનું કહેવું છે કે આ રેન્ડમ હુમલો તેમની પૂછપરછની એક મહત્વની લાઇન છે, અને એવું કહેવાય છે કે સબીના અને તેનો હુમલાખોર એકસાથે જોવા મળ્યા હતા. પોલીસ અપીલમાં બતાવાયેલ ટાલવાળો માણસ તેની પાથમાં પકડેલું એક ‘રિફ્લેક્ટીવ રેડ ઓબ્જેક્ટ’ પોતાની સ્લીવને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હશે તેમ જણાય છે.

સાઉથ લંડનના ક્લેપામ કોમનમાં હત્યા કરાયેલ સારાહ એવરાર્ડ માટે વિજીલનું આયોજન કરનાર કોમ્યુનિટી ગૃપ રેક્લેઇમ ધ સ્ટ્રીટ્સના સમર્થન સાથે સબીના માટે શુક્રવારે રાત્રે શોક વ્યક્ત કરવા કેટર પાર્ક નજીક કેન્ડ લાઇટ વીજીલનું આયોજન કરાયું હતું. જેમાં ભેગા થયેલા લોકોને નેસાની બહેન જેબીના યાસ્મીન ઇસ્લામે કહ્યું હતું કે ‘શબ્દો વર્ણવી શકતા નથી કે અમે કેવું અનુભવી રહ્યા છીએ, એવું લાગે છે કે અમે ખરાબ સ્વપ્નમાં અટવાઇ ગયા છીએ અને તેમાંથી બહાર નીકળી શકતા નથી – અમારૂ વિશ્વ વિખેરાઇ ગયું છે, મારી પાસે શબ્દો નથી. અમે જેમાંથી પસાર થઈ રહ્યા છીએ તેમાંથી કોઈ પણ પરિવારે પસાર થવું જોઈએ નહીં.’’

માર્ચ મહિનામાં 33 વર્ષીય સારાહ એવારાર્ડનું મેટ્રોપોલિટન પોલીસ અધિકારી દ્વારા અપહરણ કરીને હત્યા કરાયા બાદ આ કેસે મહિલાઓની સલામતી અંગેની ચિંતાઓ ફરી શરૂ કરી છે.

નેસાની સ્મૃતિમાં સેંકડો શ્રદ્ધાંજલિઓ પાઠવવામાં આવી છે. ડચેસ ઓફ કેમ્બ્રિજ વતી ફૂલો અને સંદેશ પણ મોકલવામાં આવ્યો હતો. લુઇશામની રશ ગ્રીન પ્રાયમરી શાળામાં યર વનની  શિક્ષિકા નેસાની શાળાના વિદ્યાર્થીઓએ પણ અંજલિ આપી હતી. જેમાં એક બાળકએ શાળાના યુનિફોર્મ પોલો શર્ટ પર લખ્યું હતું “મારા શિક્ષક બનવા બદલ આભાર.”

નેસાના પિતરાઈ ભાઈ ઝુબેલ અહમદે નેસાને “દયાળુ, મીઠી છોકરી ગણાવી કહ્યું હતું કે “સબીનાનું હૃદય સોના જેટલું સારું હતું, તેણીએ ક્યારેય કોઈના વિશે ખરાબ શબ્દ બોલ્યો ન હતો. તે બહેનને ખૂબ જ મિસ કરશે.”