દેશના મીડિયા વોચડોગ દ્વારા કરાયેલ તપાસમાં ખાલસા ટીવી (KTV) ચેનલે ખાલિસ્તાની પ્રચાર માટે પ્રસારણ નિયમોનો ભંગ કર્યો હોવાનું જણાયા બાદ ખાલસા ટેલિવિઝન લિમિટેડે યુકેમાં પ્રસારણ માટે મળેલું લાઇસન્સ પરત સોંપી દીધું છે. ઓફિસ ઓફ કોમ્યુનિકેશન્સ (ઓફકોમ)એ 26 મેના રોજ લાયસન્સને રદ કરવા માટે ડ્રાફ્ટ નોટિસ જારી કરી હતી.

ગયા વર્ષે 30 ડિસેમ્બરે KTV પર પ્રસારિત 95-મિનિટના ‘પ્રાઈમ ટાઈમ’ લાઇવ ડીબેટ પ્રોગ્રામ માટે ચેનલને સસ્પેન્શનની નોટિસ આપવામાં આવી હતી. બ્રોડકાસ્ટિંગ કોડના ભંગની સામગ્રી સાથે “ગુનાને પ્રોત્સાહિત કરવા અથવા ઉશ્કેરવા કે તે તરફ દોરી જાય તેવી કન્ટેન્ટ દર્શાવવા બદલ કાર્યવાહી કરાઇ હતી. તે કાર્યક્રમમાં “હિંસા ભડકે” તેવી શક્યતા હોય તેવી સામગ્રીનો સમાવેશ કરાયો હતો.

ચાર વર્ષમાં ત્રીજી વખત ખાલસા ટીવી ચેનલ દ્વારા હિંસાને ઉશ્કેરતા કાર્યક્રમોને પ્રસારીત કરી નિયમોનો ભંગ કર્યો હતો. કેટીવી ટેલિવિઝન ચેનલ યુકેમાં શીખ સમુદાયની સેવા કરે છે અને તે 31 માર્ચથી બંધ હતી.

ઑફકોમે આ અગાઉ પણ ચૅનલ સામે પગલાં લીધાં હતાં. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મ્યુઝિક વિડિયો અને ચર્ચાના કાર્યક્રમનું પ્રસારણ કરવા બદલ ચૅનલ પર કુલ £50,000નો દંડ કરાયો હતો.