(Photo by Ashley Allen - CPL T20/Getty Images)

સોમવારે કિંગ્સ ઈલેવન પંજાબે આઈપીએલમાં સતત પાંચમો વિજય હાંસલ કરી પ્લેઓફ્સ માટેની પોતાની દાવેદારી વધુ મજબૂત બનાવી છે. મનદીપ સિંઘ અને ક્રિસ ગેઈલની ધમાકેદાર બેટિંગ સાથે પંજાબની ટીમે 150 રનનો ટાર્ગેટ ફક્ત બે વિકેટ ગુમાવી 19મી ઓવરમાં હાંસલ કરી લીધો હતો અને કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટ હરાવ્યું હતું. 12 મેચમાંથી છ વિજય સાથે કિંગ્સ ઈલેવન પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરી હોવા છતાં 20 ઓવરમાં 5 વિકેટે 149 રનનો સામાન્ય સ્કોર જ કરી શકી હતી. કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી. પહેલી જ ઓવરમાં તેને પ્રથમ ઝટકો લાગ્યો હતો. નીતીશ રાણા ખાતુ ખોલાવે તે પહેલા જ ગ્લેન મેક્સવેલે તેને પેવેલિયનમાં પાછો મોકલ્યો હતો. એ પછી બીજી ઓવરમાં શમીએ પણ બે વિકેટ – રાહુલ ત્રિપાઠી અને દિનેશ કાર્તિક – ખેરવી હતી. આ રીતે કોલકાતાએ 10 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. એ પછી ઓપનર શુભમન ગિલ અને કેપ્ટન ઇયોન મોર્ગને બાજી સંભાળી હતી. ચોથી વિકેટની ભાગીદારીમાં બન્નેએ 81 રન કર્યા હતા. મોર્ગને 25 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 40 રન કર્યા હતા. શુભમન ગિલે 45 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 57 રન કર્યા હતા. પંજાબ તરફથી મોહમ્મદ શમીએ 35 રનમાં ત્રણ તથા ક્રિસ જોર્ડન અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ મેળવી હતી. 150 રનના ટાર્ગેટ સાથે ઉતરેલી પંજાબ માટે કેએલ રાહુલ અને મનદીપ સિંઘે 47 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. રાહુલ 25 બોલમાં 28 રન કરી વિદાય થયો હતો. એ પછી ક્રિસ ગેઈલ અને મનદીપે કોલકાતાના બોલર્સને હંફાવ્યા હતા. મનદીપ સિંહે 50 બોલમાં પોતાની અડધી સદી કરી હતી ક્રિસ ગેઈલે માત્ર 25 બોલમાં પાંચ છગ્ગા સાથે અડધી સદી ફટકારી હતી. બન્નેએ ત્રીજી વિકેટની ભાગીદારીમાં 100 રન કર્યા હતા.