ત્રણ વર્ષ પહેલાં 2017માં એક સવારે બર્મિંગહામમાં પ્રાર્થનામાં જઇ રહેલા કૃષ્ણાદેવી દ્રોચ નામની મહિલાને બર્મિંગહામના રૂકરી રોડ પર રોડ઼ ક્રોસ કરતી વખતે ટક્કર મારી મોત નિપજાવી ભાગી જનાર વક્ઝોલ ઝફીરા કારના ચાલક મોહમ્મદ ઇશફાકને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

બર્મિંગહામ ક્રાઉન કોર્ટે હેન્ડ્સવર્થના લિયોનાર્ડ રોડ પર રહેતા 34 વર્ષીય મોહમ્મદ ઇશફાકને પુરાવા છુપાવવાનો પ્રયાસ, ખતરનાક ડ્રાઇવિંગ અને ન્યાયના માર્ગને વિકૃત કરીને કૃષ્ણાદેવીના મૃત્યુ માટે દોષીત ઠેરવી છ વર્ષ અને ત્રણ મહિના જેલની સજા કરવામાં આવી હતી. તેને 10 વર્ષ માટે ડ્રાઇવિંગ પર પ્રતિબંધ ફરમાવી ફરીથી લાયસન્સ પતા પહેલા વિસ્તૃત રીટેસ્ટ માટે હુકમ કરાયો હતો.

ઇશફાકે ક્રોસિંગ પોઇન્ટ પર સેન્ટ્રલ બોલેર્ડ્સની ખોટી બાજુએ કાર ચલાવી તેણીને ટક્કર મારી હતી. જેના લીધે કૃષ્ણાદેવી રેલીંગ પર અથડાઇને પેવમેન્ટ પર ફેંકાઇ ગયા હતા. જીવલેણ ઇજાઓ થતાં તેણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કાર ચાલક કાર લઇને ભાગી છૂટ્યો હતો અને તે કાર બે માઇલથી ઓછા અંતરે બે કલાક પછી બળેલી હાલતમાં મળી આવી હતી.

નવેમ્બર 2017માં બનાવના દિવસે ઇશફાક ડ્રગ ડીલીંગમાં તકરાર થતાં ઝફીરામાં ભાગ્યો હતો જેનો બે કારમાં પીછો કરાયો હતો. બચવા માટે ઇશાફાકે રોંગ સાઇડથી કાર હંકારી હતી અને કૃષ્ણાદેવીને ટક્કર મારી ભાગી છૂટ્યો હતો.

કારના સ્ટીયરીંગ વ્હીલ પાછળ ઇશફાક હતો તે સાબિત કરવા માટે જટિલ તપાસ આદરી સીસીટીવીના ફૂટેજનો અભ્યાસ કર્યો હતો. પોલીસની વિસ્તૃત તપાસમાં સ્થાનિક ગટરમાંથી એક વર્ષ પછી પોલીસને ક્રિસ્પના પેકેટમાં છુપાવેલ ઝફિરાની ચાવી મળી આવી હતી.

કૃષ્ણા દેવી કુટુંબમાં એક કેન્દ્રિય વ્યક્તિ હતા અને તેઓ માત્ર માતા જ નહીં પરંતુ પુત્રી, બહેન, દાદી અને કાકી હતાં.