લેસ્ટરના અપીંગહામ ક્લોઝ, રૌલેટ્સ હિલ ખાતે તા. 4ને ગુરુવારે વહેલી સવારે જીવલેણ ઈજાઓ સાથે મળી આવેલી અને બાદમાં મોતને ભેટેલી ગીતિકા ગોયલની હત્યા બદલ લેસ્ટરના કશીશ અગ્રવાલને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

છરીના ઘા ઝીંકી જુના પેવમેન્ટ પર ફંકી દેવાયેલી ગીતિકા મળી આવતા વહેલી સવારે 2.25 વાગ્યે કોઇકે પોલીસ બોલાવી હતી. પોલીસ અને પેરામેડિક્સ ઘટના સ્થળે દોડી ગયા હતા. પરંતુ 29 વર્ષિય ગીતિકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ અધિકારીઓએ હત્યાની તપાસના ભાગ રૂપે વિંટર્સડેલ રોડ, થર્નબી લોજ સ્થિત ઘર અને તે વિસ્તારને ઘેરી લીધો હતો અને મોડી રાત્રે લેસ્ટરના વિંટર્સડેલ રોડના 28 વર્ષીય કશીશ અગ્રવાલની ધરપકડ કરી તેના પર ગીતિકાની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને  તેને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. જેને સોમવારે લેસ્ટર મેજિસ્ટ્રેટસ કોર્ટમાં હાજર કરાયો હતો.

સી.સી.ટી.વી. અને લોકોની પૂછપરછ કરવા સહિત ગીતિકાના મૃત્યુના સંપૂર્ણ સંજોગો સ્થાપિત કરવા ગઇકાલથી પોલીસ તપાસ ચાલુ છે. ડીટેક્ટીવ્સે અપીલ કરી છે કે જે કોઇએ બુધવારે સાંજે અથવા ગુરુવારે વહેલી સવારના સમયે અપિંગહામ ક્લોઝ અથવા વિંટર્સડેલ રોડના વિસ્તારમાં કશું અજૂગતું જોયું હોય, જો તમારી પાસે કોઈ સીસીટીવી અથવા ડેશકેમ ફૂટેજ હોય તો તેની માહિતી આપવા વિનંતી છે.

તપાસની આગેવાની કરી રહેલા ઇસ્ટ મિડલેન્ડ્સ સ્પેશિયલ ઓપરેશન યુનિટના ડિટેક્ટીવ ઈન્સ્પેક્ટર જેન્ની હેગ્સે કહ્યું હતું કે “ગીતિકાના મૃત્યુના સંપૂર્ણ સંજોગો અને તે કેવી રીતે બન્યું છે તેની સ્થાપના માટે ગઈકાલે સવારથી એક સમર્પિત ટીમ પૂછપરછ કરી રહી છે અને કોઈ પણ માહિતી ધરાવતા વ્યક્તિને અમારો સંપર્ક કરવા અપીલ કરીએ છીએ. અધિકારીઓ ગીતિકાના પરિવારને સંપૂર્ણ ટેકો પૂરો પાડી રહ્યા છે. સ્થાનિક સમુદાયના સતત સમર્થન અને સહકાર બદલ આભાર માનું છું.’’