An Indian army convoy moves along Srinagar-Leh national highway, at Gagangeer, in east Kashmir's Ganderbal district, June 15, 2020. REUTERS/Danish Ismail
લદ્દાખ સરહદે ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. સોમવાર રાત્રે (15 જુન) ગલવાન વેલી પાસે બંને દેશ વચ્ચે ચર્ચા પછી મામલો થાળે પડી રહ્યો જણાતો હતો ત્યારે બંને દેશોના સૈનિકો વચ્ચે તંગદિલી વધી રહી છે. સોમવારની અથડામણમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાન શહીદ થઇ ગયા છે. તો સામે પક્ષે ભારતીય જવાનોની વળતી કાર્યવાહીમાં ચીનના પણ પાંચ સૈનિકોના મોત થયા છે અને 11 ઘાયલ થયા છે. ચીનના અખબાર ધ ગ્લોબલ ટાઇમ્સે આ માહિતીની ખાતરી કરી છે. જોકે, ભારતીય આર્મીએ જણાવ્યું હતું કે, બંને દેશના જવાનો શહીદ થયા છે.
સમગ્ર સ્થિતિની સમીક્ષા માટે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપીન રાવત, ત્રણેય સેનાના વડા અને વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મીટિંગ કરી છે. આ મામલે હવે રાજનાથ સિંહ અને એસ. જયશંકર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળે તેવી સંભાવના છે. આર્મીના વડા જનરલ એમ. એમ. નરવણેએ તેમનો પઠાણકોટ મિલિટરી સ્ટેશનનો પ્રવાસ પણ રદ્ કર્યો છે.ભારત-ચીન બોર્ડર પર 45 વર્ષ બાદ (1975 પછી) પ્રથમવાર આવી પરિસ્થિતિ ઊભી થઇ છે, જેમાં ભારતના જવાનો શહીદ થયા છે.
આ વખતે કોઇ ફાયરિંગ થયું નથી. સૈનિકો વચ્ચે પથ્થરમારો થયો હતો અને લાઠીથી એકબીજા પર હુમલો કર્યો હતો.ભારતીય સેનાએ અધિકૃત નિવેદનમાં જણાવ્યું કે, ગલવાન વેલીમાં સોમવાર રાત્રે ડિ-એસ્કેલેશનની પ્રક્રિયા દરમિયાન બંને દેશોની સેના વચ્ચેના હિંસક ઘર્ષણમાં ભારતીય સેનના એક અધિકારી અને બે જવાન શહીદ થઇ ગયા છે. બંને દેશના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ મંગળવારે શાંતિ મંત્રણા કરી હતી.
ભારત અને ચીનની વચ્ચે મે મહિનાની શરૂઆતથી લદ્દાખ બોર્ડર પાસે સ્થિતિ તંગદિલી પ્રવર્તી રહી છે. ચીની સેનાએ ભારતે નિશ્ચિત કરેલી લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પાર કરી હતી અને પેંગોંગ તળાવ, ગલવાન વેલી પાસે આવી ગયા હતા. ચીન તરફથી ત્યાં પાંચ હજાર સૈનિકો તૈનાત કરવામાં આવ્યાં હતા, આ ઉપરાંત શસ્ત્ર સરંજામ એકત્ર કરાયો હતો.બંને દેશોની સેનાઓની વચ્ચે લાંબા સમયથી આ વિવાદનો અંત લાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે. 6 જૂન પછી અનેકવાર મીટિંગ થઇ છે.
કમાન્ડરથી લઇને લેફ્ટન્ટ જનરલ કક્ષા સુધીના અધિકારીઓ વચ્ચે ચર્ચા થઇ હતી. પછી બંને દેશ એક વાત પર સંમત થયા અને તેમણે સરહદથી થોડા કિ.મી. સુધી પીછેહઠ કરી હતી. પરંતુ આ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે બંને દેશોની સેના વચ્ચે ઘર્ષણ થયું છે.જોકે, ચીને ભારત પર ઘૂસણખોરીનો આરોપ મુકીને જણાવ્યું હતું કે,  ભારતીય સૈનિકોએ સરહદ પાર કરી ચીનના સૈનિકો પર હુમલો કર્યો છે.ચીનના વિદેશ પ્રધાને કહ્યું કે, ભારતીય જવાનોએ બે વખત સરહદ વટાવી હતી અને ચીની સૈનિકો પર હુમલો કર્યો હતો.
આ દરમિયાન બંને દેશોના સૈનિકો સામસામે આવી ગયા અને હિંસક ઘર્ષણ થયું હતું. ચીનના વિદેશ પ્રધાને કહ્યું કે, આ ઘટનાથી મંત્રણાઓ ઉપર અસર પડશે. ચીન અને ભારત બંને ચર્ચા કરીને સમસ્યાનું નિવારણ લાવી શકે છે.બંને દેશોના સૈનિકો ગલવાન વેલીમાં પેટ્રોલિંગ પોઇન્ટ 14, 15 અને 17એથી પીછેહઠ કરશે. ચીની સેના શ્યોક નદી અને ગલવાન નદી સુધી પહોંચી છે પરંતુ સંપૂર્ણપણે પીછેહઠ કરી નથી. સોમવારે ફરી ચર્ચા થઇ અને નિર્ણય લેવાયો કે ચીની સેના સંપૂર્ણપણે પીછે હઠ કરશે. જોકે, પછી ચીની સેનાએ પાછા ફરવાનો ઇન્કાર કરતા હિંસક ઘર્ષણ થયું.