ભારતના બેડમિંટન ખેલાડી લક્ષ્ય સેન રવિવારે (23 નવેમ્બર) ઓસ્ટ્રેલિયન ઓપન સુપર 500 બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યો હતો. ફાઇનલમાં તેણે જાપાનના યુશી તનાકાને 21-15, 21-11થી હરાવ્યો હતો. સિડની સ્પોર્ટ્સ સેન્ટરમાં આ મુકાબલો લક્ષ્યએ ફક્ત 38 મિનિટમાં જીતી લીધો હતો.
પેરિસ ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહ્યા પછી લક્ષ્યનો દેખાવ થોડા સમય માટે નબળો રહ્યો હતો. 24 વર્ષનો આ શટલર ભારતમાં ઉત્તરાખંડના અલ્મોરાનો રહેવાસી છે. શાનદાર ફોર્મ સાથે આ ટુર્નામેન્ટમાં વાપસી પછી તેણે સેમિફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઈના ચૌ ટિએન ચેનને હરાવ્યો.
આ વર્ષે ઓર્લિયન્સ માસ્ટર્સ અને યુએસ ઓપન (બંને સુપર 300) વિજેતા, જાપાનના વિશ્વના 26મા ક્રમાંકિત તનાકા સામે લક્ષ્યએ ઉત્તમ નિયંત્રણ, ચોક્કસ પ્લેસમેન્ટ અને ક્લીન પ્લે રમી સીધી ગેમ્સમાં જ ટાઈટલ વિજય હાંસલ કર્યો હતો.
લક્ષ્ય આ સીઝનમાં BWF વર્લ્ડ ટૂર ટાઇટલ જીતનારો માત્ર બીજો ભારતીય ખેલાડી છે. અગાઉ આયુષ શેટ્ટી યુએસ ઓપન સુપર 300માં ચેમ્પિયન બન્યો હતો. સાત્વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડી હોંગકોંગ અને ચાઇના માસ્ટર્સમાં તથા કિદામ્બી શ્રીકાંત મલેશિયા માસ્ટર્સમાં રનર્સ-અપ રહ્યા હતા.













