યુકે સ્થિત ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપીના સ્થાપકો પૈકીના એક, હિન્દુ સ્વંય સેવક સંઘના અગ્રણી અને નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સના પૂર્વ પ્રમુખ તેમજ ટ્રસ્ટી તરીકે સેવા આપી ચૂકેલા શ્રી લાલુભાઇ (ધીરુભાઈ) પારેખનું સોમવાર તા. 26 જુલાઇના રોજ નિધન થયું હતું.

લાલુભાઇનો જન્મ ગુજરાતમાં થયો હતો. મૂળ રાજકોટના વતની લાલુભાઇ 1957માં ઇસ્ટ આફ્રિકાના મ્વાંઝા, ટાન્ઝાનિયામાં સ્થાયી થયા હતા. તેમણે મ્વાંઝામાં વકીલ તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને  દેશના રાષ્ટ્રપતિને કાનૂની સલાહ આપતા હતા. તેમણે મ્વાંઝા, ટાન્ઝાનિયામાં હિન્દુ યુનિયનના મંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી.

લાલુભાઇએ 1971માં યુકે આવ્યા પછી પ્રેક્ટિસ કરવાના બદલે લંડનના પ્રતિષ્ઠીત કિંગ્સ ક્રોસ વિસ્તારમાં પોસ્ટ ઑફિસથી બિઝનેસની શરૂઆત કરી હતી. તે પછી તેમણે તેજ વિસ્તારમાં હોટેલ ખરીદી હોસ્પિટાલીટી ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. યુરો રેલવે વૉટરલૂથી કિંગ્સ ક્રોસ ઇન્ટરનેશનલ સ્થળાંતરિત થતા તેમને બિઝનેસમાં મોટો ફાયદો થયો હતો.

બ્રિટનમાં વસતા ગુજરાતી સમુદાયના ટોચના અગ્રણી શ્રી લાલુભાઇ પારેખ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા અને વર્તમાન વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી,  પૂર્વ વડા પ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી, પૂર્વ હોમ મિનિસ્ટર લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતાઓ સાથે નિકટનો સંબંધ ધરાવતા હતા. શ્રી મોદીએ પહેલા મુખ્ય મંત્રી અને પછી ભારતના વડા પ્રધાન તરીકેનું પદ સંભાળ્યા બાદ તેઓ યુકે માટે શ્રી મોદીનો સીધો અને સૌથી પહેલો સંપર્ક હતા. સંઘના વકિલ સાહેબ તરીકે ઓળખાતા લાલુભાઇના ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ, વજુભાઈ વાળા, ચિમનભાઇ શુકલ સાથે પણ નિકટના સંબંધો હતા.

લાલુભાઈના યુકેના રાજકારણીઓ સાથે પણ બહુજ સારા સંપર્ક હતા જેમાં લોર્ડ ધોળિકા, લોર્ડ પોપટ, લોર્ડ જેસ્પર, એમપી બોબ બ્લેકમેન, એમપી બેરી ગાર્ડિનર મુખ્ય હતા.

લાલુભાઇ 1992માં યુકેમાં સ્થપાયેલ ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપીના સ્થાપક સભ્યોમાંના એક હતા અને 10 વર્ષ સુધી સંસ્થાનું પ્રમુખ પદ શોભાવ્યું હતું. તેમણે છેલ્લા શ્વાસ સુધી સંસ્થાના પેટ્રન, સક્ષમ કારભારી અને માર્ગદર્શક તરીકે સેવાઓ આપી હતી. તેઓ યુકેમાં વસતા ભારતીય સમુદાય પરત્વેના નિ:સ્વાર્થ વલણ અને તમામ સંજોગોમાં માતૃભૂમિ ભારત પ્રત્યેના ગૌરવ અને પ્રેમની ભાવના પ્રદાન કરવા માટે પ્રખ્યાત હતા. તેમણે લંડન અને અમદાવાદ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવા પણ ખૂબ જ મહેનત કરી હતી અને જેટ એરવેઝના શ્રી નરેશ ગોયલ અને ભારત સરકારને પણ રજૂઆત કરી હતી. તેમણે વિઝા અને OCI કાર્ડ માટે ભારતીયોને પડતી મુશ્કેલીઓ અંગે યુ.કે. સ્થિત ભારતીય હાઇ કમિશન સમક્ષ રજૂઆતો કરી હતી.

લાલુભાઇ પારેખ યુકે સ્થિત હિન્દુ સ્વયંસેવક સંઘના પાયાના કાર્યકર્તા, પાકા દેશભક્ત, લંડન હિન્દુ – ભારતીય સમુદાયના હિતેચ્છુ હતા. તેમણે ટ્રસ્ટી અને પ્રમુખ તરીકે વિવિધ ગુજરાતી સંગઠનોમાં સેવાઓ આપી હતી. લાલુભાઇ નવનાત વણિક એસોસિએશન્સના ટ્રસ્ટી અને જૈન અગ્રણી હતા. સરદાર પેટેલ અને ગાંધી બાપુને સમર્પિત એવા લાલુભાઇ ભારત માટે બાળપણથી જ અવિરત ચાહના ધરાવતા હતા. તેમને BAPSના વરિષ્ઠ સંતો પ. પૂ. યોગીજી મહારાજ, પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજના અશિર્વાદ પણ મળ્યા હતા. શ્રી લાલુભાઇ પારેખને નેશનલ કોંગ્રેસ ઑફ ગુજરાતી ઑર્ગેનાઇઝેસન્સ દ્વારા હેરોના કડવા પાટીદાર સેન્ટર ખાતે ગુજરાત ડે પ્રસંગે ભારતીય જનતા પાર્ટી અને બ્રિટનમાં વસતા ગુજરાતીઓને આપેલી સેવાઓ બદલ એવોર્ડ એનાયત કરાયો હતો.

લાલુભાઇના નિધનથી ભારતીય સમુદાયને કદીન પૂરાય તેવી ખોટ પડશે.