(Photo by STR/AFP via Getty Images)

લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલું દેશભક્તિ ગીત એય મેરે વતન કે લોગો. ભારતીયોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ગીત પણ અનોખી કહાની ધરાવે છે. લતા મંગેશકરના જણાવ્યા પ્રમાણે, વર્ષ 1963માં પ્રજાસત્તાક દિને જ્યારે ‘એય મેરે વતન કે લોગો’ ગીત ગાવાની ઓફર મળી ત્યારે તેમણે પહેલા તો ના કહી દીધી હતી. ત્યારે તેમની પાસે રિહર્સલ કરવાનો સમય પણ નહોતો. પરંતુ જ્યારે લતાજી આ ગીત ગાવાનું સ્વીકારીને તેને રજૂ કર્યું ત્યારે તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની આંખમાં આંસુ આવી ગયા હતા.

આ ગીત એટલું લોકપ્રિય થયું કે કોઈપણ શો કે કન્સર્ટ હોય તો ત્યાં આ ગીત અચૂક ગાવામાં આવે છે. એક મીડિયા રીપોર્ટ મુજબ લતા મંગેશકરે જણાવ્યું હતું કે, કવિ પ્રદીપ તેના ગીતકાર હતા. તેમણે જ 26 જાન્યુઆરી, 1963ના રોજ આયોજિત સમારંભમાં આ ગીત ગાવાની અપીલ કરી હતી. ત્યારે તેઓ 24 કલાકમાં કામ કરતાં હોવાને કારણે પહેલાં તેઓ તૈયાર થયા નહોતા, અને તેમના માટે એક ગીતને વિશેષ ધ્યાન આપવું શક્ય પણ નહોતું.

જોકે, પ્રદીપજીએ તેમને સમજાવ્યા હતા અને તેઓ પોતાની બહેન આશા ભોંસલે સાથે આ ગીત ગાવા તૈયાર થયા હતા. જોકે, સમારંભ માટે દિલ્હી જવાના થોડાં દિવસ પહેલાં જ આશાએ ત્યાં જવાની ના કહી હતી. લતાજીએ પણ તેમને ઘણા સમજાવ્યાં, પરંતુ તેઓ માન્યા નહીં. આ ગીતના પ્રોજેક્ટના મ્યૂઝિક કમ્પોઝર હેમંતકુમારે પણ આશાને મનાવવાનો પ્રયાસ કર્યો હતો, તેઓ પણ નિષ્ફળ રહ્યા અંતે લતાજીએ એકલા જ ગીત ગાવાની તૈયારી કરી હતી.