લેસ્ટર સિટી કાઉન્સિલના સહયોગથી રવિવાર તા. 20મી ઓગસ્ટ 2023ના રોજ સવારના 11થી સાંજના 6 સુધી લેસ્ટર સીટી સેન્ટર ખાતે સુવિખ્યાત લેસ્ટર મેલા ફેસ્ટીવલ 2023નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

લેસ્ટર મેલા ફેસ્ટિવલમાં લાઇવ મ્યુઝિક, ડાન્સ, ફૂડ, ફેશન આર્ટ અને કલ્ચરના ચમકદાર મિશ્રણનો સમાવેશ કરાયો છે. ફૂડ કોર્ટમાં સમગ્ર ભારતીય ઉપખંડના ઓથેન્ટીક ચા, તાજા નારિયેળ, કુલ્ફી આઈસ્ક્રીમ અને શેરડીના તાજા રસ સહિત સ્વાદિષ્ટ ભારતીય ભોજનનો આનંદ માણવા મળશે. તો મેલા બજારમાં વિવિધ ચીજવસ્તુઓની ખરીદી, મફત સાઉથ એશિયન કળા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સંપૂર્ણ આનંદ માણવા મળશે.

આ મેલામાં મુખ્ય સ્ટેજ પરથી સેલિબ્રિટી મહેમાનો સાથે સમગ્ર પરિવાર સાથે લાઇવ મનોરંજન માણવા મળશે. આ પ્રસંગે કુખ્યાત ફૂડ બ્રાન્ડ, રાજા, રસોઈ પ્રદર્શનનું આયોજન કરાશે. તો રાજસ્થાન હેરિટેજ બ્રાસ બેન્ડ સ્ટેજ પર રંગત જમાવશે. તો બાળકોના આનંદ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

તે દિવસે બુકબસ પણ પાર્ક કરાશે જેના પરંપરાગત વાર્તાના પુસ્તકોનો લાભ મળશે તથા  લેસ્ટર મ્યુઝિયમ બાળકો માટે કલા પ્રવૃત્તિઓનું આયોજન કરશે. અન્ય પ્રવૃત્તિઓમાં બિલી બેટ્સ ચિલ્ડ્રન રાઇડ્સ, ક્લાઇમ્બીંગ વોલ અને લાઇફ સાઈઝ હાથીનો સમાવેશ કરાયો છે.

આ પ્રસંગે સાબરસ રેડિયો સ્ટેશનના 28મા વર્ષની ઉજવણી કરાશે. આ મેલાની શરૂઆત 1982માં બેલગ્રેવમાં શરૂ કરાઇ હતી. આ ઉત્સવ સાઉથ એશિયન હેરિટેજ મહિનામાં યોજાઇ રહ્યો છે જે સાઉથ એશિયન લોકોની સંસ્કૃતિ, ઇતિહાસ અને સિદ્ધિઓની ઉજવણી કરે છે.

(Photo Courtesy: Leicester Mela Festival)

LEAVE A REPLY

11 − one =