પ્રતિક તસવીર

અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ ઝડપથી કથળી રહી છે ત્યારે બ્રિટીશ સંસદસભ્ય નવેન્દુ મિશ્રા અને વિવિધ રાજકીય પક્ષોના 49 એમપીઓએ હિંસાગ્રસ્ત રાષ્ટ્રના તાલિબાન તરફથી સતામણીનો ભય ધરાવતા શરણાર્થીઓને તાત્કાલિક મદદ આપવા માટે ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબને 13 ઓગસ્ટના રોજ ખુલ્લો પત્ર લખ્યો છે.

તેમણે પત્રમાં જણાવ્યું હતું કે “અમે ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ પાસેથી ખાતરી મેળવવાની આશા રાખીએ છીએ કે તાલિબાનના સીધા દમનથી તમામ શરણાર્થીઓ જોખમમાં મુકાશે અને શરણાર્થીઓની સંખ્યામાં વધારો થશે. સંયુક્ત રાષ્ટ્રના હાઇ કમિશ્નરના કહેવા મુજબ અફઘાનિસ્તાનમાં આશરે 2.5 મિલિયન નોંધાયેલા શરણાર્થીઓ છે અને હાલની સ્થિતી જોતાં આગામી મહિનાઓમાં તેમાં વધારો થશે. અફઘાનિસ્તાનમાં શીખ, હિન્દુ અને હાજારા મુસ્લિમો સહિત લઘુમતી સમુદાયના લોકો સતામણીનો ભોગ બની રહ્યા છે. 2018માં, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિને મળવા જતા માર્ગ પર આત્મઘાતી બોમ્બ હુમલામાં હિન્દુઓ અને શીખોનું પ્રતિનિધિમંડળ માર્યું ગયું હતું. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ચેતવણી આપી હતી કે દેશમાં હિન્દુઓ અને શીખો લુપ્ત થઈ રહ્યા છે. ભૂતકાળમાં, હિન્દુઓને ઓળખી શકાય તે માટે યલો બેજ પહેરવા આદેશ અપાયો હતો.’’

રાબે તા. 15ના રોજ કહ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાનના ભવિષ્ય માટે ખૂબ જ ચિંતિત છે અને તાલિબાન વિદ્રોહીઓને રાજધાની કાબુલમાં પ્રવેશતાની સાથે હિંસા છોડી દેવા હાકલ કરી હતી. તેમણે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી સાથે પણ અફઘાનિસ્તાનના ભવિષ્ય વિશેની તેમની ગાઢ ચિંતાઓ શેર કરી હતી.

બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જૉન્સને રવિવારે કહ્યું હતું કે ‘’અફઘાનિસ્તાન કાબુલ પર કબજો કરી લે પછી અફઘાનિસ્તાન આતંક માટેનું પ્રજનન સ્થળ બનશે. પરિસ્થિતિ અત્યંત મુશ્કેલ બની રહી છે અને હજુ પણ વધુ ગંભીર બનશે.’’ તેમણે સમાન વિચારધારા ધરાવતી શક્તિઓને સાથે મળીને કામ કરવા અને અફઘાનિસ્તાનની કોઈપણ નવી સરકારને માન્યતા ન આપવા વિનંતી કરી હતી‘’