Getty Images)

વેસ્ટ મિડલેન્ડ્સના બ્લેક, એશિયન અને લઘુમતી વંશીય (BAME) સમુદાયો પર કોવિડ-19ની અસરે ‘તાકિદની તબીબી કટોકટી’ ઉભી કરી છે અને તે અપ્રમાણસર અસર ‘માત્ર સમાનતા, વિવિધતા અને સમાવેશનો મુદ્દો નથી તેમ લેબરની રાષ્ટ્રીય તપાસનું નેતૃત્વ કરી રહેલા ટાસ્કફોર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ પરિબળોના અર્થ એ છે કે વેસ્ટ મિડલેન્ડ્સના BAME સમુદાયને સખત ફટકો પડ્યો હતો છતાં કોવિડ-19નું બીજું મોજું રોકવા માટે ડેટા અને ફંડીંગમાં ગતી આવી નથી. વેસ્ટ મિડલેન્ડ્સના ‘સૌથી વધુ વૈવિધ્યસભર સમુદાયોને પબ્લિક હેલ્થ ફંડીંગમાં સૌથી મોટો ઘટાડો સહન કરવો પડ્યો છે.

કોવિડના કારણે મરણ પામતા લોકોના ડેથ સર્ટિફીકેટ્સ અથવા ટેસ્ટના પરિણામોમાંથી વંશીય ડેટા મળતો નથી. BAME સમુદાયમાં કોવિડ-19ના કારણે થયેલા મૃત્યુની ઔપચારિક સ્વતંત્ર જાહેર તપાસ માટે માંગણી કરાઇ રહી છે અને કોવિડના બીજા મોજા પહેલાં BAME સમુદાયને સુરક્ષિત રાખવા માટે પગલા લેવાની તાત્કાલિક આવશ્યકતા હોવાનું જણાવાયું છે. કોવિડ-19 કટોકટી દરમિયાન વેસ્ટ મિડલેન્ડ્સના બ્લેક અને લઘુમતી વંશીય સમુદાયો વચ્ચે થયેલા અપ્રમાણસર અને ટાળી શકાય તેવા મોટા પ્રમાણમાં મરણના આંકડા જાણી એમપી લિયામ બાયર્ન દ્વારા સ્થાપિત ટાસ્ક ફોર્સ સ્તબ્ધ થઈ ગઈ હતી.

ત્રણ મહિના દરમિયાન ટાસ્કફોર્સ સમક્ષ કોવિડને કારણે પોતાના પ્રિય સ્વજનો ગુમાવનારા પરિવારો તરફથી રજૂઆત કરાઇ હતી. તે સાંભળ્યા પછી દસ મહત્વના તારણો સાથે ટાસ્કફોર્સે તેનો અંતિમ 42 પાનાનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમાં મિનિસ્ટર્સ, પ્રદેશના સંસદ સભ્યો, વેસ્ટ મિડલેન્ડ્સના મેયર, એનએચએસ અને સોશ્યલ કેર લીડર્સ, પબ્લિક હેલ્થ ડાયરેક્ટર અને સ્થાનિક કાઉન્સિલ સમક્ષ માટે 35 ભલામણો રજૂ કરી હતી. કોવિડ-19ની BAME સમુદાયો પર થતી અસર અંગે લેબરની રાષ્ટ્રીય તપાસનું નેતૃત્વ કરી રહેલા બેરોનેસ ડોરેન લૌરેન્સ અને વિમેન એન્ડ ઇક્વાલીટી શેડો સેક્રેટરી માર્શા ડી કોર્ડોવા, એમપી દ્વારા ટાસ્ક ફોર્સના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.

ટાસ્ક ફોર્સે શોધી કાઢ્યું હતું કે બ્લેક લોકોની કોવિડ-19ના કારણે મૃત્યુ પામવાની શક્યતા અન્ય કરતાં ચાર ગણી વધારે અને બંગલાદેશી અને પાકિસ્તાની મૂળના લોકોની મૃત્યુ પામવાની શક્યતા ત્રણ ગણી વધારે છે. આ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરનાર વેસ્ટ મિડલેન્ડ્સ મેટ્રો મેયર માટે લેબરના ઉમેદવાર અને એમપી લીયામ બાર્ને જણાવ્યું હતું કે ‘’યોગ્ય સારવાર નહીં મળે તેવા ડરે પરિવારોએ મદદ માંગવાનું ટાળ્યું હતું. તો ફ્રન્ટ લાઇનના BAME વર્કર્સે પોતાના પી.પી.ઇ. જાતે બનાવવા પાડતા હતા.

ઘણાં લોકોએ પોતાના પ્રિયજનોને સામાન્ય પરંપરાઓ નિભાવ્યા વિના વિદાય આપવી પડી હતી. પ્રારંભિક તબક્કે પીપીઈના અભાવે ઘણા BAME સ્ટાફ થકી તેમના પરિવારોને કોવિડ-19નો ચેપ લાગ્યો હતો. આ અંગે સરકારે સ્વતંત્ર તપાસ કરવી જ જોઇએ. હું આ રીપોર્ટ હાઉસ ઑફ કૉમન્સ સમક્ષ રજૂ કરીશ.’’ ટાસ્ક ફોર્સના કાર્યની પ્રશંસા કરતા બેરોનેસ ડોરેન લૌરેન્સે જણાવ્યું હતું કે ‘’વેસ્ટ મિડલેન્ડ્સના BAME લોકોના કોવિડ-19 સંબંધિત મૃત્યુ અંગેની આ તપાસના તારણો ખૂબ જ ચિંતાજનક છે. તેમાંથી પાઠ શીખવાની જરૂર છે. આપણે વિકસિત થતી પ્રણાલીગત અસમાનતાઓ દૂર કરવી જોઈએ.’’