જીવન વીમા ક્ષેત્રમાં અત્યંત વિશ્વાસભર્યુ નામ ધરાવતી લાઈફ ઈનસ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી) પણ એનપીએના ચકકરમાં ફસાઈ છે. વિમા કંપનીનું એપ્રિલ-સપ્ટેમ્બર 2019ના છ મહિનાના ગાળાનું એનપીએ 6.10 ટકા જેવુ ધરખમ હોવાનો ચોંકાવનારો રીપોર્ટ બહાર આવ્યો છે. આ સંજોગોમાં એલઆઈસી પણ યશ બેંક, એક્ષીસ બેંક તથા આઈસીઆઈસીઆઈ બેંકની હરોળમાં આવી ગઈ છે.

એલઆઈસી માત્ર જીવન વિમા સાથે જ સંકળાયેલી હોવાની કે અત્યંત સુરક્ષિત સરકારી જામીનગીરીમાં રોકાણ કરતી હોવાનુ કે જરૂર પડયે જાહેર ક્ષેત્રની કંપનીઓ- બેંકોને મદદરૂપ થવા જેવી જ કામગીરી કરતી હોવાની આમ લોકોમાં માન્યતા છે. પરંતુ તે ખોટી છે. કારણ કે અન્ય વ્યવસાયોમાં તેના હાથ દાઝી ગયા છે. એલઆઈસી દ્વારા કોર્પોરેટ ક્ષેત્રને ટર્મ લોન તથા નોન-ક્નવર્ટીબલ ડીબેન્ચર સ્વરૂપે ધિરાણ આપવામાં આવે છે.

36 લાખ કરોડની અસ્કયામતો ધરાવતી વિમા કંપનીનું ગ્રોસ એનપીએ 30 સપ્ટેમ્બર 2019ની સ્થિતિએ રૂા.30000 કરોડ જાહેર થયુ છે. 6.10 ટકાનુ આ ગ્રોસ એનપીએ પાંચ વર્ષમાં ડબલ થયુ છે. સામાન્ય રીતે એલઆઈસીનું એનપીએ માત્ર 1.50 થી 2 ટકા આસપાસ જ જળવાયેલુ રહેતુ હોય છે. વિમા કંપની દ્વારા ડેકન ક્રોનિયલ, એસ્સાર પોર્ટ, ગેમન, ભૂષણ પાવર, વિડીયોકોન, આલોક ઈન્ડસ્ટ્રીઝ, એમટ્રેક ઓટો, એબીજી શીપયાર્ડ, યુનિટેક જેવી કંપનીઓને ધિરાણ કરવામાં આવ્યું હતું.

આ ડીફોલ્ટીંગ કેસોમાં વિમા કંપનીને કાંઈ હાથમાં આવે તેમ નથી. જો કે, 2600 કરોડનો નફો રળનારી એલઆઈસીએ સરવૈયામા એનપીએ વિશે જોગવાઈ કરી દીધી છે. અમુક નાદારીના કેસમાં નાણાં માંડવાળ કરવા પડશે. એલઆઈસીનું મોટાભાગનુ એનપીએ ‘ટ્રેડીશ્નલ બીઝનેસ’ નું છે. ડીફોલ્ટ થયેલી બાકી લોનનો આંકડો 25000 કરોડ થવા જાય છે. પેન્શન બિઝનેશનું એનપીએ 5000 કરોડ તથા યુનીટ લીન્કડ ઈનસ્યોરન્સ પ્લાનમાં 500 કરોડનું છે. વિમા ક્ષેત્રમાં સ્પર્ધા ઘણી વધી ગઈ હોવા છતાં પ્રથમ વર્ષના પ્રીમીયમની ગણતરીએ એલઆઈસી બે-તૃતીયાંશ હિસ્સો ધરાવે છે.