અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની હાજરીમાં મિડિયા સમક્ષ એવી સ્પષ્ટતા કરી હતી કે ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાત હું લઉં ત્યારબાદ પાકિસ્તાન જવાનો નથી. એ સાંભળતાંજ ઇમરાન ખાનનો ચહેરો વીલેા પડી ગયો હતો. પોતે ભારતની મુલાકાત લેવાના છે એેવી ટ્રમ્પની જાહેરાત થઇ ત્યારથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું. ભારત સુધી આવીને અમેરિકી પ્રમુખ પાકિસ્તાનની મુલાકાત ન લે તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઇમરાનની આબરુને ધોખો પહોંચે.પાકિસ્તાન અત્યારે એટલી બધી સમસ્યાઓથી ઘેરાયેલું છે કે અમેરિકી પ્રમુખ પાકિસ્તાનની મુલાકાત લે તો પાકિસ્તાનને રાજકીય લાભ થવા ઉપરાંત ઇમરાન ખાનની ધોવાઇ રહેલી પ્રતિષ્ઠાને થોડો ફાયદો થઇ શકે. પરંતુ મિડિયા સાથેની વાતચીત દરમિયાન ખુદ ઇમરાન ખાનની હાજરીમાં ટ્રમ્પે એવી સ્પષ્ટતા કરી દીધી કે હું પાકિસ્તાન જવાનો નથી. હાલ દાવોસમાં વિશ્વ આર્થિક મંચની બેઠક ચાલી રહી છે. ઇમરાન ખાન સાથે બેઠેલા ટ્રમ્પે કહ્યું કે અત્યારે હું પાકિસ્તાનના વડા પ્રધાન સાથે બેઠો છું. એનેજ તમે મારી પાકિસ્તાનની મુલાકાત સમજી લો. આર્થિક મંચની બેઠક દરમિયાન ઇમરાન ખાને ટ્રમ્પ સાથે જુદી બેઠક યોજી હતી.