પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધણફુલીયા ગામની સીમમાં બે સિંહોએ સોમવારે 17 વર્ષની એક તરુણીને ફોડી ખાધી હતી. આ ઘટનાથી વંથલીના ગ્રામ્ય પંથકમાં હાહાકાર મચી ગયો ગયો હતો અને લોકો ભયભીત થઈ ગયા હતા. વનવિભાગે તરુણીનો શિકાર કરી નાસી છૂટેલા બંને સિંહોનું લોકેશન મેળવવા અને પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.

આ ઘટનાની માહિતી મુજબ હસમુખભાઈ ચાવડાની વાડી રહેતા અને ખેત મજૂરી કરતા રમેશભાઇ બીજલભાઈ પારધી સોમવારની રાત્રીએ પોતાના પરિવાર સાથે જમીને બેઠા હતા. દરમિયાન રમેશભાઈની દીકરી રેખા તથા ભાણેજ ભાવના બામણીયા (ઉં.વ. 17 ) ઓરડીની બાજુમાં આવેલ વાડીમાં લઘુશંકા કરવા માટે ગઈ હતી. ત્યારે બે સિંહો અચાનક આવી ચડયા હતા. આ બંને તરુણીઓ કોઈ પણ સમજે તે પહેલા બન્ને ઉપર તરાપ મારી હતી. સિંહોના હુમલાથી રેખા પાણીની કુંડીમાં પડી ગઈ હતી અને ભાવનાને બંને સિંહો ઉઠાવી ગયા હતા. પાણીની કુંડીમાં પડેલી રેખાને તેના પિતા રમેશ ભાઈ તથા અન્ય લોકોએ આવી બચાવી લીધી હતી. પરંતુ ભાવનાને બે સિંહો ઉપાડી ગયા હતા. સિંહો જે દિશામાં ગયા હતા તે દિશામાં તપાસ કરતા એક પડતર જગ્યાએ બંને સિંહો ભાવનાને ફાડી ખાતા જોવા મળ્યા હતા. દરમિયાન વનવિભાગના સ્ટાફ પણ પહોંચી જતા લોકો અને સ્ટાફે હાકલા પડકારા કરતા બન્ને સિંહ નાસી ગયા હતા. પરંતુ ભાવનાને ફાડી ખાતા તેણીનું કરુણ મૃત્યુ નીપજયું હતું.