વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ મંગળવારે જણાવ્યું હતું કે બ્રિટેનમાં મળેલો કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હાલ કાબૂમાં છે. વર્તમાન સમયે આપણી પાસે જે ઉપાય છે તેના વડે તેના પર કાબૂ મેળવી શકાય તેમ છે.

WHOના ઇમરજન્સી વિભાગના પ્રમુખ માઇકલ રેયાને એક ખાસ કોન્ફ્રન્સમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીના સમય દરમિયાન આપણે ઘણી જગ્યાઓ પર આ કરતા પણ વધારે સંક્રમણ દર જોયો છે અને તેના પર નિયંત્રણ પણ મેળવ્યું છે. તેને જોતા અત્યારે બ્રિટનમાં જે સ્થિતિ છે તે નિયંત્રણ બહાર ના કહી શકાય. પરંતુ બેદરકાર રહી શકાય નહીં.

અગાઉ બ્રિટિશ અધિકારીઓએ જણાવ્યું હતું કે કોરોના વાયરસનો આ નવો પ્રકાર પહેલા કરતા 70 ટકા વધારે ઝડપથી ફેલાઇ રહ્યો છે. રેયાને કહ્યું કે વર્તમાન સમયે આપણે જે ઉપાય કરી રહ્યા છીએ તે એકદમ બરાબર છે.

તેમણે વધુમાં ક્હ્યું હતું કે આપણે એ જ કરવાની જરુર છે જે આપણે કરી રહ્યા છીએ. આપણે તેમાં થોડી ઝડપ લાવવાની જરુર છે અને લાંબા સમય સુધી આ ઉપાયો કરવાની જરુર છે, જેથી વાયરસને નિયંત્રણમાં લાવી શકાય.