(Photo by Christopher FurlongGetty Images)

બ્રિટન સુપર સ્પ્રેડર ક્રિસમસનો સામનો કરી રહ્યું છે અને જો ક્રિસમસ વખતે થનાર મોટા મૃત્યુને ટાળવા હોય તો લૉકડાઉન જરૂરી જણાવાયું હતું જેથી ક્રિસમસ પર કુટુંબો ફરીથી હળીમળી શકે. બીજી તરફ સરકાર પણ લોકોની ક્રિસમસ બગાડવા માંગતી નથી. નિષ્ણાતો માને છે કે જો ક્રિસમસ પહેલા અને પછી રાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધો લાદવામાં આવે તો ક્રિસમસ ડે પર લોકોને હળવા મળવા દેવાથી ચેપ ઓછો પ્રસરી શકે છે. ક્રિસમસ પછીનુ ‘સર્કિટ-બ્રેકર’ લૉકડાઉન હોસ્પિટલમાં દાખલ થતા લોકોની સંખ્યાને કાબૂમાં રાખવામાં મદદ કરી શકે છે.

SAGE સલાહકારો દ્વારા વડા પ્રધાન પર કડક પ્રતિબંધો લાદવા તાજુ દબાણ કરતા ચેતવણી આપી હતી કે બીજા મોજામાં વધુ 85,000 લોકો મરી શકે છે. ‘વાજબી ખરાબ પરિસ્થિતિ’માં પણ આવતા માર્ચ માસ સુધીના ત્રણ મહિના કે તેથી વધુ મહિના માટે રોજના 500 લોકોના મૃત્યુ થઇ શકે છે. વડા પ્રધાનને કહેવામાં આવ્યું હતું કે જો તેઓ વધુ લોકડાઉનનો ઓર્ડર નહિં આપે તો ઇંગ્લેન્ડની દરેક હોસ્પિટલ 17 ડિસેમ્બર સુધીમાં કોવિડ-19ના દર્દીથી ભરાઈ જશે. બીજી તરફ સ્કોટીશ નેતા નિકોલા સ્ટર્જને બગડતી સ્થિતીને જોતાં ‘આગામી કેટલાક અઠવાડિયામાં’ સ્કોટલેન્ડ પર રાષ્ટ્રીય પ્રતિબંધો લાદવાનો ઇનકાર કર્યો ન હતો.

વડાપ્રધાન બોરિસ જ્હોન્સનના સલાહકારોએ આવનારો શિયાળો ‘ખૂબ જ ગંભીર’ રહેશે તેવો અંદાજ લગાવ્યો છે. વરિષ્ઠ અગ્રણીઓ ચેતવણી આપી હતી કે યુકેની થ્રી ટિયર સિસ્ટમ ‘કોવિડ-19’ કેસોનો હલ કરવા માટે પૂરતી નથી. બીજી તરફ ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર જોનાથન વેન-ટેમે પ્રાદેશિક સ્તરનુ શટડાઉન કામ કરતું નથી તેમ જણાવ્યું હતુ. લંડનના મેયર સાદિક ખાનની નજીકના સૂત્રોએ પણ કપરી પરિસ્થિતીને પગલે લંડન પણ આગામી બે અઠવાડિયામાં ટિયર 3 લોકડાઉન અને લાખો લોકોએ વધારાના પ્રતિબંધોનો સામનો કરવો પડશે એવી આગાહી કરી હતી.

એક સીનીયર સ્ત્રોતે જણાવ્યું હતું કે, એપ્રિલ પછી પહેલી વખત હોસ્પિટલમાં પ્રવેશ મેળવતા કોવિડ-19 દર્દીઓની રોજની સંખ્યા 1,404ની સપાટીએ પહોંચી છે. વધતા જતા ચેપને કારણે આ અગાઉ દેશની લગભગ 60 ટકા વસ્તી – આશરે 31.6 મિલિયન લોકોને સોમવાર તા. 2 સુધીમાં સખત નિયમો હેઠળ મૂકી દેવાયા હતા. તા. 30ની મધ્યરાત્રિએ ઓક્સફર્ડ, લુટન, યોર્કશાયરની ઇસ્ટ રાઇડિંગ, કિંગ્સ્ટન અપોન હલ, ડર્બીશાયર ડેલ્સ, ડર્બી અને સ્ટેફર્ડશાયર સહિત સોળ વિસ્તારો ‘હાઈ રિસ્ક’ ટિયર 2માં મૂકાયા હતા. રવિવાર તા. 1ની મધ્યરાત્રિથી વધુ 11 મિલિયન લોકોને ‘ખૂબ જ જોખમકારક’ ટિયર 3માં મૂકવાનું અને લીડ્સ અને બાકીના વેસ્ટ યોર્કશાયરમાં જમવાનું પીરસતા ન હોય તેવા પબ બંધ કરવાનું નક્કી કરાયું હતું.

સરકારે સાયપ્રસ અને લિથુઆનીયાને ટ્રાવેલ કોરિડોરની સૂચિમાંથી દૂર કરતા હવે રવિવારે સવારે 4 વાગ્યા પછી તે દેશોમાંથી યુકે આવતા મુસાફરોને 14 દિવસ માટે સેલ્ફ આઇસોલેટ થવનું કહેવામાં આવશે. આઇએમએફએ યુકેના અર્થતંત્ર માટે તેની આગાહીને ડાઉનગ્રેડ કરી ભવિષ્ય ભાખ્યું છે કે 2020માં યુકેની ઇકોનોમી 10 ટકાથી વધુ ઘટશે.

કોમ્યુનિટી સેક્રેટરી રોબર્ટ જેન્રીકે કહ્યું હતું કે ‘બ્લેન્ક્ટ નેશનલ લોકડાઉન’ ટાળવા માટે સરકાર શક્તિમાં હશે તે બધા જ પ્રયાસ કરશે.