બોરિસ જ્હોન્સન (Photo by Christopher Furlong/Getty Images)

વડાપ્રધાન બોરીસ જ્હોન્સને બે મહિનાના કડક પ્રતિબંધો પછી દેશનું કોવિડ ‘એલર્ટ’ સ્ટેટસ ઔપચારિક રૂપે ચાર પરથી ઘટાડીને ત્રણ કરી કરવાની અને ઇગ્લેન્ડમાં લોકડાઉન હળવુ કરવાની ગુરૂવારના રોજ દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી. જે અંતર્ગત આવતા અઠવાડિયાથી પરિવારો દાદા- દાદીને અને તેઓ પૌત્ર-પૌત્રીઓને મળી શકશે, ગાર્ડનમાં મિત્રો અથવા કુટુંબના વધુમાં વધુ છ લોકો બહાર કે બગીચામાં મળી શકશે કે બારબેક્યુ પાર્ટી કરી શકશે. ઇંગ્લેન્ડમાં, સોમવારથી બાળકોની નર્સરી, શરૂઆતના વર્ષોની સેટિંગ્સ અને રિસેપ્શન, યર 1 અને યર 6ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરીથી ખોલવાના સંકેત આપવામાં આવ્યા છે. કેટલીક દુકાનો ફરીથી ખોલવા દેવાશે જેમાં આઉટડોર રિટેલ અને કાર શોરૂમ ફરીથી કામગીરી શરૂ કરી શકશે.

બોરીસ જ્હોન્સને અન્ય બિન-જરૂરી રિટેલ દુકાનો જેમ કે ફેશન અથવા હોમવેર રિટેલની દુકાનોને 15 જૂનથી ખોલવાની મંજુરી આપી હતી. જ્યારે અન્ય વ્યવસાયો, જેમ કે પબ્સ, હેરડ્રેસર અને સિનેમા હોલ માટે જુલાઈ સુધી રાહ જોવી પડશે. જોકે લોકોએ સ્વચ્છતાના નિયમો અને બે મીટરનુ સામાજિક અંતર જાળવી રાખવુ પડશે. આમ છતાં બીજા ઘરનાં લોકોને ગળે મળી શકશો નહીં અથવા આખી રાત કોઇના ત્યાં રોકાઈ શકશો નહીં. જાહેર કરાયેલા ફેરફારોના ભાગ રૂપે આવતા મહિનાથી દુકાનો અને શાળાઓ ફરીથી ખોલવાનું આયોજન છે.

શ્રી જ્હોન્સને જણાવ્યું હતું કે ‘’લોકડાઉન પછીના તબક્કામાં જવા માટેના પાંચેય ટેસ્ટ પૂર્ણ થયા છે અને તે મારી કે સરકારની સિધ્ધિ નથી – તે જનતાની ઉપલબ્ધિ છે. વાયરસને દૂર કરવાના આપણા રાષ્ટ્રીય હેતુ માટેના તમારા સંકલ્પ અને સમર્પણને લીધે જ આ શક્ય બન્યું છે જે બદલ આપ સૌનો આભાર. આગામી સપ્તાહથી નિયંત્રણો થોડા હળવો કરવામાં આવશે.’’

જો કે મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પેટ્રિક વાલેન્સે ચેતવણી આપી છે કે દરરોજ 8,000 નવા ચેપ નોંધાઇ રહ્યા છે અને નિયમોને વધુ હળવા કરવા જતાં ‘વિસંગતતાઓ અને અસંગતતાઓ’ સર્જાશે.

ઇંગ્લેન્ડમાં શું બદલાઈ રહ્યું છે?

  • સોમવારથી, લોકો છ વ્યક્તિઓના કૌટુંબિક જૂથો બગીચાઓ અને બરબેક્યુ માટે પાર્ક અને ઘરના ગાર્ડનમાં મળી શકે છે. પરંતુ લોકોને બાથરૂમ વાપરવા સિવાય અન્ય કોઈ કારણોસર ઘરની અંદર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પહેલા તમારા હાથ ધોવા જોઈએ, ખોરાક અથવા પ્લેટો આપતી વખતે સાવચેત રહેવા જણાવાયુ છે.
  • ઇંગ્લેન્ડ, નોર્ધર્ન આયર્લેન્ડ અને સ્કોટલેન્ડમાં કુટુંબીજનો અને મિત્રોને મળવા માટે વાહન ચલાવવાની મંજૂરી અપાઇ છે, પરંતો શક્ય તેટલું સ્થાનિક વિસ્તારમાં રહેવાની સામાન્ય સલાહ છે.
  • જો કે, વેલ્સના લોકોને નોકરી પર જવા સિવાય આવશ્યક કારણોસર અથવા આવશ્યક ચીજો ખરીદવા માટે તેમના ઘરથી પાંચ માઇલથી વધુની મુસાફરી કરવાની મંજૂરી રહેશે નહીં.
  • ખૂબ નજીક હોવાથી ચેપનું જોખમ લાગે તેવી શક્યતાને પગલે ગળે મળવા, હાથ મિલાવવા અથવા ચુંબન કરવાની સલાહ આપવામાં આવી નથી.
  • જુદા જુદા ઘરનાં નાના બાળકોને પેડલિંગ પૂલ, ક્લાઇમ્બીંગ ફ્રેમ્સ, સ્લાઇડ્સ અથવા કંઈપણ શેર ન કરવા અને બે મીટરથી વધુ નજીક ન જવા માટે પ્રોત્સાહિત કરાશે.
  • કોઈ બીજાના ઘરે રાતવાસો કરવાની યુકેભરમાં ક્યાંય પણ મંજૂરી આપવામાં આવશે નહીં.
  • બીજાના ઘરે બાથરૂમનો દરવાજો ખોલવા અને બંધ કરવા માટે પેપર ટીસ્યુનો અને હાથ લુછવા કિચન રોલનો ઉપયોગ કરવો.
  • કોઇના ઘરે ગયા હો અને વરસાદ પડે તો તમારે બહાર છત્રી ખોલીને બહાર ઉભા રહેવુ પડશે અથવા પરત થવુ પડશે. કોઇ પણ સંજોગોમાં બીજાના ઘરે રહી શકાશે નહિ.
  • તમે જુદા જુદા સમયે જુદા જુદા લોકોને મળી શકો છો, પરંતુ બને એટલુ ઝડપથી વધુ ગૃપને મળવાનુ ટાળો.
  • આરોગ્યની રીતે અત્યંત નબળા જૂથમાં હોય અને જેમને જી.પી.નો પત્ર મળ્યો હોય તેવા લોકોએ અલગ રહેવાનું ચાલુ રાખવું જોઈએ. 70 કે તેથી વધુ વયના સારી તબીયત ધરાવતા લોકો મળી શકે છે.
  • કેર હોમની સલાહ વગર તમે કોઇ પણ રહેવાસીને મળી શકો નહિં.