(ANI Photo)

કલ્યાકારી નીતિઓ, હિન્દુત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને આધારે વિરોક્ષ પક્ષોના સુપડા સાફ કરીને ચાર રાજ્યોમાં શાનદાર વિજયથી 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ કેન્દ્રમાં ફરી સત્તા પ્રાપ્ત કરવા માટે મુખ્ય દાવેદાર બન્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે 2017માં પણ આવા ભવ્ય વિજયથી 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો માર્ગ મોકળો થયો છે.

દિલ્હીમાં પોતાના રાજકીય કિલ્લાની બહાર અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીનો ઉદભવ તથા પંજાબમાં ભવ્ય વિજયથી વિરોધી કેમ્પમાં પણ મોટા ફેરબદલનો સંકેત આપે છે. કોંગ્રેસનું અધઃપતન ચાલુ રહ્યું છે અને પ્રાદેશિક પક્ષો પોતાની હાજરી મજબૂત કરી રહ્યાં છે. યુપીમાં સપા ભાજપ વિરોધી મતને આકર્ષવામાં મહદઅંશે સફળ થઈ છે. રાજકીય નિરીક્ષકો માને છે કે કોંગ્રેસ એટલી નબળી પડી ગઈ છે કે ભગવા પાર્ટીનો મુકાબલો કરી શકે તેમ નથી, તેથી હવે વિપક્ષમાં પણ તેનું મહત્ત્વ રહ્યું નથી.

યુપીમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો ફરી વિજય ભાજપના પ્રભાવશાળી પ્રાદેશિક નેતાઓની ઘટતી જતી યાદીમાં યોગીને ટોચના સ્થાને મૂકે છે. ભાજપ પાસે હાલમાં તેની વિચારસરણીનું શુદ્ધ પ્રતિક ગણી શકાય તેવા અને કડક શાસકની ઇમેજ ધરાવતો બીજો કોઇ પ્રાદેશિક નેતા નથી કે જેની યોગીની સાથે તુલના કરી શકાય. ચૂંટણી દરમિયાન મોદીએ પણ યોગીને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. ભાજપના બીજા કોઇ મુખ્યપ્રધાનને અત્યાર સુધી આવું સમર્થન મળ્યું નથી. યોગીના ખભા પર મોદીના હાથ સાથેનો ફોટો ઘણો જ વાઇરલ થયો હતો અને તેનાથી  યોગીના કદ અંગે ઘણી અટકળો થઈ હતી. યુપીમાં ફરી વિજયથી 49 વર્ષના યોગીની આ ઇમેજ વધુ દ્રઢ બનશે.

જોકે રાજકીય નિરીક્ષકો માને છે કે ચૂંટણીનો સૌથી મહત્ત્વનો સંદેશ એ છે મતદાતામાં મોદીની લોકપ્રિયતા અકબંધ છે. ઉત્તરાખંડમાં મુખ્યપ્રધાન પુષ્કર ધામી પોતાની બેઠક પર ચૂંટણી હારી ગયા છે, પરંતુ ભાજપે સત્તા જાળવી રાખી છે. રાજ્યમાં કોઇપક્ષનો ફરી વિજય થયો હોય તેવું પ્રથમ વખત બન્યું છે. ગોવામાં ભાજપ ગઈ ચૂંટણી કરતાં વધુ મોટા જનાદેશ સાથે ત્રીજી વખત સરકાર રચવા માટે સજ્જ બની છે.