(ANI Photo)

દેશના પાંચ રાજ્યમાંથી ચાર રાજ્યોમાં 10 માર્ચે ભવ્ય વિજયના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસનો ભવ્ય રોડ શો સાથે પ્રારંભ થયો હતો. તેઓ આજે સવારે 11 વાગ્યા અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા, અને એરપોર્ટ પરથી જ તેમનો રોડ શો શરુ થયો હતો જે ગાંધીનગર ખાતેના ભાજપના કાર્યાલય કમલમ સુધી ચાલ્યો હતો. મોદીના રોડ શોમાં તેમની સાથે ખૂલ્લી જીપમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ જોડાયા હતા. રોડ શોમાં સામેલ થવા ગુજરાતભરમાંથી ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ભાજપના દાવા અનુસાર, એરપોર્ટથી કમલમ સુધી યોજાયેલા આ રોડ શોમાં ચાર લાખ લોકો ઉમટી પડ્યા હતા. રુટ પર ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક વિધાનસભા બેઠકના નામ સાથે સ્ટેજ પણ ઉભા કરવામાં આવ્યા હતા. મોદીએ પણ કાળઝાળ ગરમી હોવા છતાંય ખૂલ્લી જીપમાં જવાનું પસંદ કરીને રોડ શોમાં હાજર રહેલી જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. બે કલાક સુધી ચાલેલા રોડ શો બાદ મોદી પક્ષના પ્રદેશ મુખ્યાલય કમલમ પહોંચ્યા હતા, જ્યાં તેમનું નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કમલમ ખાતે જ મોદી ભોજન ઉપરાંત નેતાઓ સાથે વિશેષ ચર્ચાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન રાત્રે રાજભવનમાં રોકાશે, અને 12 માર્ચે દિલ્હી જવા રવાના થશે. મોદી 10 માર્ચે જીએમડીસી ગ્રાઉન્ડમાં થનારા ગુજરાત પંચાયત મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા, તાલુકા તેમજ ગ્રામ પંચાયતના પ્રમુખ, સભ્યો અને સરપંચો ભાગ લેવાના છે. આ કાર્યક્રમમાં મોદી સંબોધન પણ કરશે.

ગુજરાતમાં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે. અમદાવાદમાં ભવ્ય રોડ શો કરીને એક રીતે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પ્રચારનો આરંભ કરી દીધો છે. વળી, તેઓ આજે પંચાયત મહાસંમેલનમાં પણ ઉપસ્થિત રહેવાના છે.