પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુકે હેલ્થ સીક્યુરિટી એજન્સીના તાજેતરના સર્વેક્ષણ ડેટા અનુસાર, નવા વર્ષની શરૂઆતમાં ફ્લૂ અને આરએસવી જેવા શ્વાસ સંબંધી વાયરસના સ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ વૃદ્ધોમાં આ પ્રમાણ હજુ પણ ઊંચું અને ચિંતાજનક છે.
આ શિયાળામાં ફ્લૂની વહેલી શરૂઆત થયા પછી, ડિસેમ્બરના મધ્યથી મોટાભાગના વય જૂથોમાં તેના સ્તરમાં ઘટાડો નોંધાયો છે. UKHSA એ ‘કોલ્ડ હેલ્થ એલર્ટ’ (ઠંડી સામે સાવચેતીની ચેતવણી) લંબાવી છે.

જોકે ડેટા પ્રોત્સાહક છે, પરંતુ કે ૮૫ વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં આ વાયરસના સ્તરમાં ઘટાડો થયો નથી. આ વયના લોકો માટે ગંભીર બીમારી અને હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતાનું સૌથી વધુ જોખમ હોય છે. વાયરસનો ફેલાવો ઘટાડવા માટે લોકો સાવચેતી રાખે તે અત્યંત જરૂરી છે, ખાસ કરીને વધુ સંવેદનશીલ વ્યક્તિઓ માટે.
તાજેતરના આંકડા દર્શાવે છે કે વર્ષના પ્રથમ અઠવાડિયામાં ૮૫ વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં ફ્લૂ અને RSV ના કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ સૌથી વધુ હતું.

UKHSA ના કન્સલ્ટન્ટ એપિડેમિયોલોજિસ્ટ ડૉ. કોનાલ વોટસને જણાવ્યું હતું કે: “એકંદરે ફ્લૂના સ્તરમાં થઈ રહેલો ઘટાડો પ્રોત્સાહક છે, પરંતુ વૃદ્ધ વયના જૂથોમાં ફ્લૂ અને RSVના કેસો અત્યારે ચિંતાજનક સ્તરે જ છે, તેમાં ખાસ ઘટાડો નથી જણાતો. શ્વાસની બીમારીઓ માટે ઈમરજન્સી કેરની જરૂર હોય તેવા વૃદ્ધોની સંખ્યામાં ઘટાડાના કોઈ સંકેત નથી. આપણે જાણીએ છીએ કે ફ્લૂ અણધારી બીમારી છે અને ફ્લૂની સિઝન પૂરી થવામાં હજુ ઘણા મહિના બાકી હોઈ શકે છે.”

“૬૫ અને તેથી વધુ વયના લોકો તથા અન્ય જોખમ ધરાવતા લોકો હજુ પણ ફ્લૂની રસી મેળવી શકે છે, જે ગંભીર બીમારી અને હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઘટાડે છે. NHSની નેશનલ બુકિંગ સિસ્ટમ પર ફ્લૂ વેક્સિન માટે એપોઇન્ટમેન્ટ્સ હજુ ઉપલબ્ધ છે. જે લોકોએ હજુ સુધી રસી નથી લીધી તેઓએ પોતાની સુરક્ષા માટે તે લઈ લેવી જોઈએ—કારણ કે ફ્લૂ ઘણીવાર માર્ચ સુધી ફેલાયેલો રહે છે. સગર્ભા સ્ત્રીઓ અને ૭૫ થી ૮૦ વર્ષના જે વૃદ્ધોએ હજુ સુધી ડોઝ નથી લીધો તેમના માટે RSV રસીકરણ આખું વર્ષ મળી શકે છે.”

ફ્લૂની રસી માટે ૬૫ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો, સગર્ભા સ્ત્રીઓ, ૨ વર્ષથી (૩૧ ઓગસ્ટ સુધીમાં) ૧૧મા ધોરણ સુધીના બાળકો અને અમુક લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકો પાત્ર છે. RSV રસી ૭૫ થી ૭૯ વર્ષની વયના લોકો, જેઓ ૧ સપ્ટેમ્બર ૨૦૨૪ પછી ૮૦ વર્ષના થયા હોય તેમને અને ૨૮ અઠવાડિયા કે તેથી વધુ સમયની સગર્ભા સ્ત્રીઓને આપવામાં આવે છે, કારણ કે આ રસી નવજાત શિશુને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

LEAVE A REPLY