રેમી રેન્જર વડાપ્રધાન બોરીસ જ્હોન્સન સાથે

ઘણી સંસ્થાઓ અને ગુરુદ્વારાઓ બ્રેલા બોડી શીખ ફેડરેશન યુકેના નેજા હેઠળ યુકેમાં સ્વતંત્ર રીતે ખાલિસ્તાનની હિમાયતનું કામ કરી રહ્યા છે ત્યારે બ્રિટિશ સરકાર યુકેમાં ખાલિસ્તાની ચળવળ અથવા ભારત વિરુદ્ધની કોઈપણ પ્રવૃત્તિને ટેકો આપતી નથી એવી વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ખાતરી આપી છે એમ ઉદ્યોગપતિ અને બ્રિટિશ શીખ એસોસિએશનના અધ્યક્ષ લોર્ડ રેમી રેન્જરે જણાવ્યું હતું.

‘ઈન્ડિયા ટુડે’ સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં, લોર્ડ રેન્જેરે કહ્યું હતું કે “મેં વડા પ્રધાન જ્હોનસનને માહિતી આપી હતી કે ખાલિસ્તાન માટે કેટલાક અલગતાવાદી સંગઠનો કાર્યરત છે અને તેઓ પંજાબને ભારતથી અલગ કરવા માગે છે. વડા પ્રધાને મને સ્પષ્ટપણે ખાતરી આપી હતી કે બ્રિટિશ સરકાર આવી સંસ્થાઓ કે ભારત સામે કોઈને કંઈ સમર્થન આપતી નથી.”

તાજેતરમાં જ લોર્ડ રેન્જરની તેમણે વડા પ્રધાનના સમર્થન માટે કરેલી ટ્વીટ માટે ટીકા થઈ હતી. લેબર એમપી પ્રીત ગિલે તે પોસ્ટનો જવાબ આપતા કહ્યું હતું કે, “સંયુકત રાષ્ટ્રના ચાર્ટરની કલમ 1માં આત્મનિર્ણયનો સિધ્ધાંત સ્પષ્ટપણે પ્રસ્તુત છે. તે ટ્વીન હ્યુમન રાઇટ્સ કોવેનેન્ટ્સ – ધ ઇન્ટરનેશનલ કોવેનન્ટ્સ અને સિવિલ અને પોલિટિકલ રાઇટ્સમાં પ્રથમ અધિકાર ગણાવાયો છે.”

લોર્ડ રેન્જરે તેનો જવાબ વાળતા કહ્યું હતું કે “તમે 5000 માઇલ દૂર બેસીને ટ્વિટર પર આત્મનિર્ભરતા મેળવતા નથી. તમારે જઇને લોકો સાથે તમારા ઉદ્દેશ્ય સામે લડવું પડશે અને તમારી લોકપ્રિયતાનું પરીક્ષણ કરવું પડશે.”
તેમણે ખાલિસ્તાન માટે દબાણ કરતા સંગઠનો અને લોકોને તેમના બ્રિટિશ પાસપોર્ટ્સનો ત્યાગ કરી ભારત જઇને, રાજકીય પક્ષ બનાવવાની અને જો તેઓ ખરેખર તેમાં વિશ્વાસ રાખતા હોય તો કંઈક “સાર્થક” કરવા કહ્યું હતું.

શીખ ફેડરેશન યુકેના નેજા હેઠળ કામ કરતા આ સંગઠનોએ પાકિસ્તાન તરફી કાશ્મીરી સંગઠન સાથે મળીને ભારત વિરોધી દેખાવો કર્યા છે. આવા જ એક દેખાવનું આયોજન તા. 15 ઑગસ્ટના રોજ ભારતીય હાઈ કમિશન સમક્ષ કરાયું હતું.૧૦૨ બ્રિટિશ-ભારતીય સંગઠનો અને કાઉન્સિલર્સે બોરિસ જ્હોન્સનને પત્ર લખીને કહ્યું હતું કે તા. 15 ઓગસ્ટ અથવા “બ્લેક ડે” માટે શીખ અને કાશ્મીરીઓ દ્વારા આયોજિત મોટા દેખાવોને મંજુરી આપવામાં ન આવે.

બે ડઝનથી વધુ ભારતીય બ્રિટિશ કાઉન્સિલર્સ દ્વારા બીજો એક પત્ર હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને મોકલવામાં આવ્યો હતો.‘ભારતીય ડાયસ્પોરા યુકે’ના લેટરહેડ પર સહી કરાયેલા પત્રમાં શ્રીમતી પટેલને કહેવામાં આવ્યું હતું કે “ભારતીય હાઈકમિશન બિલ્ડિંગની બહાર હિંસક વિરોધ નિવારવા યોગ્ય પગલા ભરવા વિનંતી કરીએ છીએ. પત્રમાં ગયા વર્ષે થયેલી હિંસાનો ઉલ્લેખ કરાયો હતો.

જમ્મુ-કાશ્મીરની વિશેષ સ્થિતિ રદ કરવાના ભારતના નિર્ણયની પહેલી વર્ષગાંઠ નિમિત્તે પાકિસ્તાની જૂથોનું પ્રતિનિધિત્વ કરતા દોઢસો લોકોના જૂથે બે સપ્તાહ પહેલા પણ લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર દેખાવો કર્યા હતા. ભારતીય હાઈકમિશને જણાવ્યું હતું કે દેખાવોનું પ્રમાણ ધારણા કરતા ઓછું હોવા છતાં પોલીસે લીધેલા પગલા ખૂબ જ પ્રશંસનિય છે.

બ્રિટિશ શીખ એસોસિએશન વતી આવા દેખાવોની ટીકા કરતા લોર્ડ રેન્જેરે કહ્યું કે, “હું હોમ સેક્રેટરીને ત્રીજા દેશમાં દેશદ્રોહ પ્રોત્સાહિત કરનારી આવી હિલચાલ પર પ્રતિબંધ મૂકવા કહીશ. જો તેમને ખરેખર ખાલિસ્તાન જોઇતુ હોય તો પાકિસ્તાનથી જ શરૂઆત કરી પહેલાં તમારું લાહોર કિંગડમ, ગુરુ નાનક સાહેબ અને કરતારપુર સાહેબનું જન્મસ્થળ મેળવો.

શીખ રાજની રાજધાની લાહોર હતી તેના વિના કયો દેશ બની શકે?” ભૂતકાળમાં આક્ષેપ કરાયો છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દ્વારા આવા વિરોધ માટે નાણાં આપવામાં આવે છે અને લોકોને ભાડાના વાહનોમાં લાવવા નાણાં ચૂકવવામાં આવે છે.ખાલિસ્તાન તરફી અને પાકિસ્તાન તરફી કાશ્મીરી જૂથો દ્વારા સંયુક્ત રીતે ભારત વિરોધી પ્રવૃત્તિઓના ઘણા કેસો બની રહ્યા છે.

ધર્માદા સંસ્થાઓના બેનર હેઠળ ચાલતા ગુરુદ્વારાઓમાં રાજકીય પ્રવૃત્તિની મંજૂરી નથી. લંડનથી 20 માઇલ દૂર સ્લાઉના શ્રી ગુરૂ સિંહ સભા ગુરુદ્વારાએ તો તેમના મુખ્ય સભાખંડમાં ખાલિસ્તાનને ટેકો આપતા બેનર લગાવ્યા છે. યુકેમાં નેશનલ શીખ યુથ ફેડરેશનની વેબસાઇટ બબ્બર ખાલસાના વખાણ કરે છે.

ચૂંટણીઓમાં મત મેળવવા માટે ગુરુદ્વારાઓની અંદરથી વિભાજનકારી રાજકીય ભાષણો આપવામાં આવે છે અને ખાલિસ્તાન તરફી જૂથોના સભ્યો રાજકીય અભિયાનોને ટેકો આપતા નજરે પડે છે. ઘણી સંસ્થાઓ પર પ્રતિબંધ છે પરંતુ તેઓ બીજા નામે કામ શરૂ કરે છે.