Corona epidemic

કોરોનાના પ્રકોપને પગલે મહારાષ્ટ્રમાં તમામ સિનેમા હોલ, ઓડિટોરિયમ અને ઓફિસો 31 માર્ચ સુધી માત્ર 50 ટકા ક્ષમતાએ કાર્યરત કરશે, એમ શુક્રવારે એક આદેશમાં સરકારે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાઇરસના 25,833 નવા કેસ નોંધાયા હતા, જે ગયા વર્ષે મહામારીના ફેલાવા પછીના સૌથી વધુ છે.

રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બીજા આકરા લોકડાઉનની ચેતવણી આપ્યા બાદ સરકારે આ આદેશ જારી કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે માસ્ક જેવા કોરોના સંબંધિત નિયમોનું લોકો પાલન નહીં કરે તો આકરું લોકડાઉન કરવામાં આવશે.

આદેશમાં જણાવાયું હતું કે આરોગ્ય અને બીજી આવશ્યક સેવા સિવાયની તમામ ખાનગી ઓફિસો 50 ટકા ક્ષમતાએ કાર્યરત રહેશે. સરકારી અને અર્ધસરકારી કચેરીઓ સ્ટાફ અંગે પોતાની રીતે નિર્ણય કરશે. જોકે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સંલગ્ન ઓફિસો ઓછા સ્ટાફે કામ કરશે.