ભારતીય કિસાન યુનિયનના નેતા નરેશ ટિકૈતે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં શુક્રવારે બોલાવેલી ખેડૂતોની મહાપંચાયતમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા(PTI Photo)

ભારતીય કિસાન યુનિયનના નેતા નરેશ ટિકૈતે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં શુક્રવારે બોલાવેલી ખેડૂતોની મહાપંચાયતમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. મુઝફ્ફરનગરથી આશરે 150 કિમી દૂર આવેલી ગાંઝીપુર બોર્ડર પર ટિકૈતના ભાઇ રાકેશ ટિકૈત સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહ્યાં છે. નરેશ ટિકૈતે જણાવ્યું હતું કે ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલુ રહેશે. કિસાન સંઘર્ષ સંકલન સમિતિએ આ નિર્ણય કર્યો છે અને અમે તેને વળગી રહીશું.

ગાઝીપુર પર તંગદિલીને પગલે આ મહાપંચાયત બોલાવવામાં આવી હતી. યુપી સરકારે અહીંથી ખેડૂતોને દૂર કરવાનો ગુરુવારની રાત્રે પ્રયાસ કર્યો હતો અને તેનાથી તંગ માહોલ ઊભો થયો હતો. સરકારે આંદોલનકારી ખેડૂતોની સામે મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો ગોઠવ્યા હતા તથા વીજળી અને પાણીનો સપ્લાય બંધ કરી દીધો હતો, જોકે પછી તેને ચાલુ કરવામાં આવ્યો હતો.

ગણતંત્ર દિવસે દિલ્હીમાં થયેલી હિંસા બાદ ખેડૂત આંદોલનન નવો વળાંક આવ્યો હતો. ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે દિલ્હી બોર્ડર પરથી હટવાનો ઈનકાર કરીને જાહેરમાં આંસુ સાર્યા હતા. એ પછી તેમના પોતાના વિસ્તાર મુઝફ્ફરપુર નગરમાં માહોલ ગરમાયો હતો.

ભારતીય કિસાન યુનિયનના નેતા ચન્દરબીર ફૌજીએ કહ્યું હતું હતું કે રાકેશ ટિકૈતના આંસુઓનો હિસાબ સરકાર પાસે લેવામાં આવશે.બીજી તરફ રાષ્ટ્રીય લોકદળ, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ નેતાઓ ખુલીને હવે રાકેશ ટિકૈતના સમર્થનમાં આવી ગયા હોવાથી આ આંદોલનને હવે રાજકીય રંગ પણ મળ્યો હતો અને આંદોલન વધારે ઉગ્ર બને તેવા એંધાણ મળ્યાં હતા.