નવી દિલ્હીમાં સિંઘુ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતો અને સ્થાનિક લોકો વચ્ચેના સંઘર્ષ દરમિયાન એક વ્યક્તિએ પોલીસ જવાન પર તલવારથી હુમલો કર્યો હતો. REUTERS/Anushree Fadnavis

આંદોલનકારી ખેડૂતો અને સ્થાનિક લોકો વચ્ચેની હિંસાને પગલે હરિયાણામાં શુક્રવારે મોટા ભાગના જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી.

રાજ્ય સરકારે એક પરિપત્ર જારી કરીને જણાવ્યું હતું કે હરિયાણાના 22માંથી 15 જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા શનિવારે સાંજે 6 વાગ્યા સુધી બંધ રહેશે.

ત્રણ નવા કૃષિ કાયદા સામેના ખેડૂતોના આંદોલને હવે ઉગ્ર સ્વરુપ ધારણ કર્યુ છે. અત્યાર સુધી શાંત રહેલા આંદોલનમાં હવે હિંસક બનાવો સામે આવી રહ્યા છે. 26મી જાન્યુઆરીની ટ્રેક્ટર પરેડ બાદ શુક્રવારે પણ દિલ્હીની બોર્ડર પર તનાવપૂર્ણ માહોલ છે.

રાજ્યના માહિતી વિભાગે ટ્વિટ કરીને કહ્યું હતું કે તાત્કાલિક અસરથી અંબાલા, યમુનાનગર, કુરુક્ષેત્ર, કરનાલ, કૈથલ, પાનીપત, હિસાર, જીંદ, રોહતક, ભિવાની, ચરખી દાદરી, ફતેહાબાદ, રેવાડી અને સિરસા જિલ્લામાં વોઇસ કોલને છોડીને તમામ ઇન્ટરનેટ સેવાઓ ઉપર 30 જાન્યુઆરી 2021 રાત્રે 6 વાગ્યા સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.