કોરોના વાઇરસના વિસ્ફોટને પગલે લાદવામાં આવેલા વીકએન્ડ લોકડાઉનને પગલે રવિવાર, 18 એપ્રિલ 2021ના રોજ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટમિનસ નજીકના રસ્તા સુમસામ બન્યા હતા. (PTI Photo/Shashank Parade)

કોરોના વાઇરસના કેસોમાં જંગી ઉછાળાથી મહારાષ્ટ્રે દિલ્હી અને ગુજરાત સહિત છ રાજ્યોને સેન્સિટિવ ઓરિજિન સ્ટેટ જાહેર કર્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સીતારામ કુંતેએ રવિવારે એક આદેશ જારી કરીને કેરળ, ગોવા, ગુજરાત, દિલ્હી એન્ડ નેશનલ કેપિટલ રિજન (એનસીઆર), રાજસ્થાન અને ઉત્તરાખંડને સેન્સિટિવ ઓરિજિન જાહેર કર્યા હતા.

આ આદેશ મુજબ આ રાજ્યોમાં મહારાષ્ટ્રમાં આવતા મુસાફરો પાસે ટ્રેન ટ્રાવેલના 48 કલાકમાં કરવામાં આવેલો નેગેટિવ RT-PCR રિપોર્ટ દર્શાવવો પડશે. આદેશમાં જણાવાયું છે કે બીજા રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના બીજા વેરિયન્ટને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાથી ભારતમાં મહારાષ્ટ્રને સૌથી વધુ અસર થઈ છે. રવિવારે રાજ્યમાં 68,631 કેસ નોંધાયા હતા અને 503 લોકોના મોત થયા હતા. આની સાથે કુલ કેસની સંખ્યા વધીને 38,39,338 થઈ હતી. કુલ મૃત્યુઆંક વધીને 60,473 થયો હતો.