સૌરાષ્ટ્રના જાણીતા પાટીદાર અગ્રણી તેમજ ક્લબ યુ વી સંસ્થાના ચેરમેન મહેન્દ્ર ફળદુએ બુધવારે રાજકોટમાં પોતાની ઓફિસમાં આપઘાત કર્યો હતો. તેમણે અંતિમ ચિઠ્ઠીમાં ખૂબ જ ગંભીર આક્ષેપો કરીને આત્મહત્યા કરી લીધી હતી.

સવારે 10:00 વાગ્યાની આસપાસ તેઓ સવારે ઘરેથી નીકળ્યા અને ઓફિસ પહોંચ્યા હતા. જોકે ઓફિસમાં કોઈ સ્ટાફ આવે તે પહેલા જ તેમણે મોતને વ્હાલુ કર્યું હતું. તેમણે પહેલા ઝેરી દવા ગટગટાવી હતી અને ત્યાર બાદ ગળે ફાંસો લગાવ્યો હતો. તેઓ ક્લબ યુવી, ઉમિયા માતાજી મંદિર – સિદસર, સરદારધામ, VYO હવેલી, જેવી સંસ્થામાં જવાબદારી સંભાળતા હતા.

મૃતકે ઓઝોન ગ્રુપ પર 33 કરોડ રુપિયાની પ્રોપર્ટીના દસ્તાવેજ ના કરી આપતા તેમજ પોતાને યેન-કેન પ્રકારે હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપ મૂકીને મોતને વ્હાલું કર્યું હતું. તેમણે જીવન ટૂંકાવતા પહેલા મીડિયાના નામે એક ચિઠ્ઠી પણ લખી હતી, જેમાં તેમણે પરિવારને ન્યાય અપાવવાની પણ વાત કરી છે. મહેન્દ્ર ફળદુ સરદાર ધામ સહિતની પાટીદારોની ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેમના આપઘાતના સમાચાર આવતા જ પાટીદારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમના મોતની માહિતી મળતા જ મોટી સંખ્યામાં કડવા પાટીદારો સિવિલ હોસ્પિટલ ઉમટી પડ્યા હતા.

પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુએ આપઘાત કરતા પહેલા લખેલા પત્રમાં અમિત ચૌહાણ, એમ.એમ. પટેલ, અતુલ મહેતા તેમજ અમદાવાદના કેટલાક લોકો સામે પોતાને હેરાન કરતા હોવાના આક્ષેપ કર્યા છે. આ ઘટના બાદ હાલ પોલીસ પણ એક્શનમાં આવી છે. તેમના પાર્થિવ દેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે તેમણે જે પત્ર લખ્યો હતો તેની પણ વિગતો મેળવી છે અને તેના આધારે તપાસ પણ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર સંસ્થાઓ સાથે જોડાયેલા ફળદુ પોતે પણ વકીલ હતા તેમ છતાંય તેમને કેટલાક તત્વો હેરાન કરી રહ્યા હતા. તેમણે લખેલા પત્ર અનુસાર, ટસ્કની-ઓઝોન ગ્રુપ તેમના આપઘાત માટે જવાબદાર છે, અને તેમને 33 કરોડની પ્રોપર્ટીના દસ્તાવેજ નથી કરી આપતા. તેમણે એવું પણ લખ્યું છે કે તેમના 70 કરોડના દસ્તાવેજ છે. પોતાને હેરાન કરી રહેલા તત્વો દ્વારા ફરિયાદો પણ કરવામાં આવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે જો પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મહેન્દ્ર ફળદુને આપઘાત કરવા મજબૂર કરનારાઓમાં કોનો હાથ હતો તેની સમગ્ર વિગતો બહાર આવી શકે તેમ છે.