બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે વોશિંગ્ટનથી નવી તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયોજિત વ્હાઇટ હાઉસ ક્રિસમસ ડિનરમાં હાજરી આપી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલી તસવીરોમાં 49 વર્ષીય અભિનેતી ગુલાબી ઓમ્બ્રે સ્લિપ ડ્રેસ અને ફર જેકેટ પહેરેલી દેખાય છે અને ટ્રમ્પ મહેમાનોને સંબોધતા જોવા મળે છે.
શેરાવતે પોતે જ આમંત્રણને એક સપના જેવું ગણાવ્યું હતું. સત્તાવાર ક્રિસમસ કાર્યક્રમમાં મલ્લિકા શેરાવતની હાજરી ચર્ચાનો વિષય પણ બની હતી. સોશિયલ મીડિયામાં મહેમાનોની યાદી અને તેને આમંત્રણ કેવી રીતે મળ્યું તે અંગે ઘણા સવાલો થવા લાગ્યાં હતાં. મલ્લિકા શેરાવતે તારીખ અને સ્થળ દર્શાવતું સત્તાવાર આમંત્રણ કાર્ડ પોસ્ટ કર્યું હતું.
મલ્લિકાએ શુક્રવારે આ તસવીરો પોસ્ટ કરી હતી અને આભાર માનતું એક નાનું કેપ્શન લખ્યું હતું. તેને રાત્રિભોજનમાં ટ્રમ્પના ભાષણની ક્લિપ પણ અપલોડ કરી હતી. સોશિયલ મીડિયા યુઝર્સે આ અંગે પ્રશંસા પણ કરી હતી અને ઘણા સવાલો પણ પૂછ્યાં હતાં. એક યુઝરે સીધો સવાલ કર્યો હતો કે કેવી રીતે આમંત્રણ મળ્યું. શેરાવત તરફથી હજુ સુધી આ મુદ્દા પર કોઈ જવાબ આવ્યો ન હતો.
મલ્લિકા ભૂતકાળમાં અમેરિકામાં કેટલાંક કાર્યક્રમોમાં હાજરી આપી ચૂકી છે. તે ઘણા વર્ષોથી ભારત અને લોસ એન્જલસ વચ્ચે રહે છે તથા ઉદ્યોગ અને રાજદ્વારી વર્તુળો સાથે તેના સંબંધો છે. એક દાયકા કરતાં વધુ સમય પહેલાં કેલિફોર્નિયામાં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા સાથેની મુલાકાતોની તે સમયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નોંધ લેવામાં આવી હતી.
મલ્લિકા શેરાવતની છેલ્લી ફિલ્મ વિક્કી વિદ્યા કા વો વાલા વીડીયો હતી, જે 2024માં રિલીઝ થઈ હતી, જેનું દિગ્દર્શન રાજ શાંડિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. તે પહેલાં મર્ડર, ખ્વાહિશ અને પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ પણ તે ચમકી હતી.













