ભારત સરકારના એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી) દ્વારા ભાગેડું જાહેર થયેલા બિઝનેસમેન વિજય માલ્યાની ફ્રાંસમાં અંદાજે 1.6 મિલિયન યૂરોની કિંમતની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ અંગે એક નિવેદનમાં જણાવાયું છે કે, ‘ઇડીના આગ્રહને કારણે વિજય માલ્યાની 32 એવન્યુ ફોચ, ફ્રાંસની સંપત્તિને ફ્રેંચ ઓથોરિટીએ જપ્ત કરી છે. તપાસમાં એ પણ બાબત બહાર આવી છે કે કિંગફિશર એરલાઇન્સ લિમિટેડના બેંક ખાતામાંથી વિદેશમાં મોટી રકમ કાઢવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, નવ હજાર કરોડ રૂપિયાથી વધુ બેંક લોનની છેતરપિંડીના કેસમાં આરોપી માલ્યા અત્યારે બ્રિટનમાં છે. ભારતે થોડા મહિના અગાઉ યુકે સરકારને આગ્રહ કર્યો હતો કે, ભાગેડું બિઝનેસમેન વિજય માલ્યા દ્વારા વિનંતી કરવામાં આવે તો તેને આશ્રય આપવામાં ન આવે. ભારત સરકારે જણાવ્યું હતું કે, માલ્યાના ઝડપથી પ્રત્યાર્પણ માટે તેઓ બ્રિટિશ સરકારના સંપર્કમાં છે. 64 વર્ષીય માલ્યા પર ભારતમાં પોતાની ડિફોલ્ટર કંપની કિંગફિશર એરલાઇન્સના પતન પછી છેતરપિંડીના આરોપ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અમે બ્રિટનને અનુરોધ કર્યો હતો કે, જો માલ્યા દ્વારા અપીલ કરવામાં આવી હોય તો તેના આશ્રય પર વિચાર ન કરે. બ્રિટને જણાવ્યું હતું કે, ‘વધુ એક કાયદાકીય મુદ્દો’ છે જેને માલ્યાના પ્રત્યાર્પણની વ્યવસ્થા કરતા પહેલા તેનું નિરાકરણ લાવવાની જરૂર છે.