
ન્યૂ યોર્કના સેન્ટ્રલ મેનહટનમાં સોમવારે થયેલા ગોળીબારમાં ન્યૂ યોર્ક પોલીસ વિભાગના અધિકારી સહિત ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતાં. બંદૂકધારી હુમલાખોરની ઓળખ લાસ વેગાસના 27 વર્ષીય શેન તામુરા તરીકે થઈ હતી અને તેને પોતાને ગોળી મારીને આપઘાત કર્યો હતો. હુમલાખોરો ઓછામાં ઓછા છ લોકોને ગોળી મારી હતી.
તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ બંદૂકધારી પાસે હેન્ડગનનું કેરી લાઇસન્સ હતું.
પોલીસના સૂત્રોને ટાંકીને ન્યૂ યોર્ક પોસ્ટ અખબારે જણાવ્યું હતું કે બુલેટ-રેઝિસ્ટન્ટ વેસ્ટ પહેરેલા અને AR-સ્ટાઇલ રાઇફલ ધરાવતા એક બંદૂકધારીએ મિડટાઉન મેનહટનના ભીડભાડવાળા વિસ્તારમાં પાર્ક એવન્યુ ગગનચુંબી ઇમારતમાં ગોળીબાર કર્યો હતો.શંકાસ્પદ શૂટરે સાંજે લગભગ 6:40 વાગ્યે 345 પાર્ક એવન્યુની લોબીમાં NYPD અધિકારી સામે ગોળીબાર કર્યો હતો. આ પછી તે 33મા માળે ગયો હતો. ન્યૂ યોર્કના મેયર એરિક એડમ્સે X પર પોલીસ અધિકારીના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. પોલીસ ઓફિસર દિદારુલ ઇસ્લામ (36) બાંગ્લાદેશ મૂળના હતાં.
345 પાર્ક એવન્યુ ખાતે આવેલી આ ગગનચુંબી ઈમારતમાં મોટી મોટી ફાઇનાન્શિયલ કંપનીઓની ઓફિસો છે. તેમાં વિશ્વના સૌથી મોટા હેજ ફંડ બ્લેકસ્ટોન, તેમજ KPMG અને ડોઇશ બેંક, NFL મુખ્ય મથકનો સમાવેશ થાય છે. બંદૂક સંબંધિત હિંસા પર નજર રાખતા એનજીઓ ગન વાયોલન્સ આર્કાઇવના ડેટા અનુસાર, આજે ન્યૂ યોર્કમાં થયેલો જીવલેણ ગોળીબાર આ વર્ષે યુ.એસ.માં 254મો સામૂહિક ગોળીબાર હતો.
