સ્વિત્ઝરલેન્ડમાં રવિવારે રમાયેલી યુઈએફએ – મહિલા યુરો 2025 ફૂટબોલ – ની ફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમે સ્પેનને પેનાલ્ટી શૂટાઉટમાં 3-1થી હરાવી પોતાનું ટાઈટલ જાળવ્યું હતું. કોઈ મહત્ત્વની ટુર્નામેન્ટમાં આ ટીમે પહેલીવાર ટાઈટલ સતત બીજા વર્ષે પણ હાંસલ કર્યું છે. રાબેતા મુજબના સમયમાં બન્ને ટીમો 1-1થી બરાબરીમાં રહી હતી. વિજયની હીરો ક્લો કેલીએ વિજેતા ગોલ કર્યો હતો.
સેરિના વેઈગમેનની આગેવાની હેઠળની ટીમમાં સૌથી નોંધપાત્ર દેખાવ ફૂલ બેક લૂસી બ્રોંઝનો હતો. તે પગમાં ફ્રેકચર સાથે સમગ્ર ટુર્નામેન્ટમાં રમી હતી. પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ શાર્લોટે સ્વિત્ઝરલેન્ડના સ્ટેડિયમમાં પ્રત્યક્ષ મેચ નિહાળી હતી અને કહ્યું હતું કે તેમના માટે આનાથી વધારે ગૌરવની કોઈ અન્ય પળ હોઈ શકે નહીં, તો લાયોનેસીસના ઉપનામે ઓળખાતી ટીમની સફળતા બદલ કિંગ ચાર્લ્સે તેમના દેખાવને અદભૂત ગણાવ્યો હતો.
સોમવારે ટીમના માનમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં વડાપ્રધાન સ્ટાર્મરના નિવાસે રીસેપ્શન યોજાશે અને તે પછી ટીમ મંગળવારે સેન્ટ્રલ લંડનમાં ઓપન ટોપ બસ પરેડ દ્વારા પોતાના ઐતિહાસિક વિજયની ઉજવણી કરશે. બસ યાત્રાના અંતે બકિંગહામ પેલેસ સમક્ષ ટીમ માટે એક વધુ સત્કાર સમારંભ યોજાશે.
