મનોજ બાજપેયીએ ફિલ્મમેકર અનુભવ સિંહા વિશે કેટલાંક સીક્રેટ્સ જણાવ્યા છે. મુંબઈમાં શરૂઆતના સંઘર્ષોના દિવસો વિશે મનોજે જણાવ્યું હતું કે, ‘અનુભવ સિંહા મને કહેતા રહેતા હતા કે, ‘આ ડ્રિંકની કેટલી કિંમત છે એનો તને ખ્યાલ છે? આ સ્કોચ છે, તને સ્કોચ અને વ્હિસ્કી વચ્ચેનો ફરક ખબર છે?’ હું તેમને ધિક્કારતો રહેતો હતો. જોકે, અનુભવ સિંહા તો એવા જ છે.

તેઓ પોતાના માટે સ્કોચ રાખતા હતા અને તેમના ગરીબ ફ્રેન્ડ્સને ઓલ્ડ મોન્ક સર્વ કરતા રહેતા હતા.’અનુભવના આગ્રહથી મુંબઈ આવ્યા બાદ કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો એના વિશે પણ મનોજે જણાવ્યું હતું. આ ફિલ્મમેકરે એક ટીવી સીરિઝના ઓડિશન માટે તેને ફ્લાઇટ ટિકિટ્સ મોકલાવી હતી, પરંતુ એના માટે તેનું સિલેક્શન નહોતું થયું.

તેણે કહ્યું હતું કે, ‘મેં સાડાસત્તર વર્ષની ઉંમરે મારું ગામ છોડી દીધું હતું, ત્યારથી એટલો મુશ્કેલ સમય મેં ક્યારેય જોયો નહોતો. એ ચાર વર્ષ જાણે 40 વર્ષ જેવા હતા. દરેક બાબતે મને નિષ્ફળતા મળતી હતી. એક વખત મને ત્રણ પ્રોજેક્ટ્સ મળ્યા હતા. જેમાં એક સીરિઝ, એક કોર્પોરેટ ફિલ્મ, એક ડોક્યુડ્રામા અને અન્ય સીરિઝ સામેલ હતી. એક દિવસ મને એ તમામમાંથી કાઢી નાંખવામાં આવ્યો હતો.’