(ANI Photo)

મનોજ બાજપેયીએ બોલીવૂડ અને તેના ચાહકોમાં અનોખું સ્થાન બનાવ્યું છે. આમ છતાં કહેવાય છે કે, મનોજ બાજપેયીને બિગ બજેટ ફિલ્મો ખાસ મળતી નથી. આથી તેણે વેબ સિરીઝને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું હતું. મનોજ બાજપેયીની નવી વેબ સિરીઝ કિલર સૂપનું પોસ્ટર તાજેતરમાં જાહેર થયું હતું. પોસ્ટરને જોતાં આ સિરીઝમાં મનોજ બાજપેયીએ ડબલ રોલ કર્યા હોવાનું મનાય છે.

મનોજ બાજપેયીએ પોતાની કરિયરમાં ક્યારેય ડબલ રોલ કર્યા નથી. કિલર સૂપમાં તેઓ નવો પ્રયોગ કરે તેવી સંભાવના છે. દરેક પ્રોજેક્ટમાં અલગ પ્રકારના કેરેક્ટરને સરળતાથી ભજવનારા મનોજ બાજપેયી સાથે આ સિરીઝમાં કોંકણા સેન શર્મા પણ મહત્ત્વના રોલમાં છે. નેટફ્લિક્સ દ્વારા શેર કરાયેલા પોસ્ટરમાં મનોજ બાજપેયીના ડબલ લૂક જોવા મળે છે. જેના કારણે આ સિરીઝમાં તેમનો ડબલ રોલ હોવાની અટકળો વ્યાપક બની છે.

પોસ્ટરની સાથે આ સિરીઝને 11 જાન્યુઆરીથી સ્ટ્રીમ કરવાની જાહેરાત પણ થઈ છે. નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, એક કહાની, જે ખૂબ વિચિત્ર છે. તેના પર વિશ્વાસ કરવા માટે તમારે તે જોવી પડશે. કિલર સૂપને ક્રાઈમ થ્રિલર કહેવામાં આવી છે. તેમાં કોમેડીના ચમકારા પણ જોવા મળશે. મનોજે જેમાં પ્રભાકરનો રોલ કર્યો છે, જ્યારે તેમની પત્ની સ્વાતિ શેટ્ટીના રોલમાં કોંકણા છે. કિલર સૂપમાં ફેમિલી ઈમોશન્સ પણ જોવા મળશે. ફિલ્મના પોસ્ટરમાં મનોજ બાજપેયીના બે અલગ-અલગ સ્વરૂપ રજૂ થયા હોય તેવી શક્યતા પણ છે. મનોજ બાજપેયીની ફિલ્મ જોરમ ગત મહિને  રિલીઝ થઈ હતી. તેની સીધી ટક્કર એનિમલ સાથે થઈ હતી. જેના કારણે આ ફિલ્મ બોક્સઓફિસ પર ખાસ ચાલી ન હતી, પરંતુ તેમાં મનોજ બાજપેયીની એક્ટિંગના વખાણ થયા હતા.

 

LEAVE A REPLY

5 × two =