ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મંગળવારે ભાજપમાંથી રાજીનામુ આપી દેતા રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. પરંતુ આ જાહેરાત બાદ થયેલા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથેની બેઠક બાદ બુધવારે મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચી લીધું હતું.

સાંસદ મનસુખ વસાવા અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી વચ્ચે બેઠક થઈ હતી. મંગળવારે રાજીનામુ આપ્યા બાદ તેમને મનાવવા માટે મોડી રાત સુધી તેમના નિવાસસ્થાને બેઠકનો દોર ચાલ્યો હતો. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે નાદુરસ્ત તબિયતને કારણે રાજીનામું આપ્યું હતું..

વસાવાએ જણાવ્યું હતું કે મને ગરદન અને કમરની તકલીફ હતી તે કારણે રાજીનામું આપ્યું હતું. મને સરકાર કે પક્ષ તરફથી કોઈ નારાજગી નથી. ડોક્ટર્સે આરામ કરવાની સલાહ આપી એટલે રાજીનામું આપ્યું હતું. પરંતુ કેન્દ્રીય નેતૃત્વ સાથે વાતચીત બાદ મેં મારો નિર્ણય બદલ્યો છે. સાંસદ તરીકે હું ચાલુ રહીશ. રાજીનામાનો નિર્ણય પાછો લઉં છું. ગાંધીનગરમાં વન પ્રધાન ગણપત વસાવા સાથે ચર્ચા કરી હતી અને ત્યાર બાદ મુખ્યપ્રધાનને પણ મળવા પહોંચ્યા હતા.