અત્યારે લોકસભામાં રાહુલ ગાંધીએ સભ્યપદ ગુમાવતા મોટો રાજકીય હોબાળો થયો છે. પરંતુ આ પદ ગુમાવનાર રાહુલ એકમાત્ર ગાંધી નથી. અગાઉ ઇન્દિરા ગાંધી અને સોનિયા ગાંધીએ પણ તેમનું લોકસભા સભ્યપદ ગુમાવ્યું હતું. દેશમાં ઇમર્જન્સી જાહેર થયા પછી કોંગ્રેસનો પરાજય થયો હતો. 1978 ઇન્દિરા ગાંધી કર્ણાટકમાં ચિકમગલુરની પેટાચૂંટણી જીત લોકસભામાં પહોંચ્યા હતા. પરંતુ તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈએ સરકારી અધિકારીઓનું અપમાન કરવા બદલ તેમની સામે સાંસદ પદ વિરુદ્ધ દરખાસ્ત કરી હતી. સંસદની વિશેષાધિકાર સમિતિએ તેમને દોષિત ઠેરવ્યા હતા અને ઇન્દિરાએ સાંસદ પદ ગુમાવવું પડ્યું હતું. સોનિયા ગાંધીએ પણ 2006માં ઓફિસ ઓફ પ્રોફિટના મુદ્દે રાજીનામું આપવું પડ્યું હતું. જોકે ઘણા ઉતાર-ચઢાવ પછી ઇન્દિરા ગાંધી અને સોનિયા ગાંધીએ ધમાકેદાર પુનરાગમન કર્યું હતું.
ભૂતકાળમાં સભ્યપદ ગુમાવનારા સાંસદો-ધારાસભ્યોઃ લાલુ પ્રસાદ યાદવઃ ઘાસચારા કૌભાંડ, જે. જયલલિતાઃ આવક કરતા વધુ સંપત્તિનો કેસ, આઝમખાનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અભદ્ર ટિપ્પણી, અબ્દુલ્લા આઝમઃ એક કેસમાં સજા થઈ હતી, વિક્રમ સૈનીઃ હુલ્લડના મામલામાં દોષિત, મોહમ્મદ ફૈઝલઃ હુમલાના આરોપ, મમતા દેવીઃ હુલ્લડ અને હત્યાનો પ્રયાસમાં દોષિત, ઈન્દ્ર પ્રતાપ સિંહઃ બોગસ માર્કશીટના મામલામાં દોષિત અને કુલદીપ સિંહ સેંગરઃ ઉન્નાવ રેપ કાંડમાં દોષિત













