ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચના પાંચમાં દિવસે ઇશાંત શર્માએ જોહની બેરસ્ટોની વિકેટ લીધી હતી. Action Images via Reuters/Paul Childs

લોર્ડ્સમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચના પાંચમાં દિવસે પૂંછડિયા બેટ્સમેન મોહમ્મદ શમીની અણનમ અડધી સદી તથા જસપ્રિત બુમરાહ સાથે તેણે નોંધાવેલી અતૂટ 89 રનની ભાગીદારીની મદદથી ભારતે ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ જીતવા માટે 272 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. તેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 4 વિકેટના નુકસાન પર 60 રન કર્યા છે.

પાંચમાં દિવસે ભારતે 298 રનના સ્કોર પર પોતાનો બીજો દાવ ડિક્લેર કર્યો હતો. શમી 56 રન તથા જસપ્રિત બુમરાહ 34 રન નોંધાવીને નોટઆઉટ રહ્યા હતા.

ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 391 રનનો સ્કોર નોંધાવીને 27 રનની સરસાઈ મેળવી લીધી હતી. બીજા દાવમાં ભારતીય બેટ્સમેનો ખાસ કરીને મિડલ ઓર્ડર અને લોઅર ઓર્ડરના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓપનર લોકેશ રાહુલ પાંચ રન નોંધાવીને આઉટ થયો હતો જ્યારે રોહિત શર્મા 21 રન નોંધાવીને આઉટ થયો હતો. બાદમાં કંગાળ ફોર્મમાં રમી રહેલા ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેએ બાજી સંભાળી હતી. આ જોડીએ ઈંગ્લેન્ડના બોલર્સનો મક્કમતાથી સામનો કર્યો હતો. આ જોડીએ 100 રનની ભાગીદારી નોંધાવી હતી. પૂજારા પાંચ રને અડધી સદી ચૂકી ગયો હતો. તેણે 206 બોલમાં ચાર ચોગ્ગા સાથે 45 રન નોંધાવ્યા હતા. જોકે, રહાણેએ 146 બોલમાં 61 રનની ઈનિંગ્સ રમી હતી. જેમાં પાંચ ચોગ્ગા સામેલ હતા. સુકાની વિરાટ કોહલી 20 રન નોંધાવીને આઉટ થયો હતો.
ઈંગ્લેન્ડ માટે માર્ક વૂડ સફળ બોલર રહ્યો હતો. તેણે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ઓલિ રોબિન્સન અને મોઈન અલીએ બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે સેમ કરનને એક સફળતા મળી હતી.