(Photo by Oli Scarff/Getty Images)

બોરીસ જ્હોન્સન સરકારે તા. 29ના રોજ હેલ્થ એન્ડ સોશ્યલ સેક્ટરનાં કામ કરતા કામદારોન વિઝા અવધિમાં વર્ષની મુદતમાં મફત વધારો કરી આપવાની અને કોરોનાવાયરસનો ચેપ લાગવાના કારણે મરણ પામેલ વ્યક્તિના પરિવારના સભ્યોને યુકેમાં કાયમી નિવાસ આપવાની જાહેરાત કરી હતી.

હોમ ઑફિસ દ્વારા આ અગાઉ ડોકટરો, નર્સો અને પેરામેડિકલ સ્ટાફ માટે એક વર્ષના મફત વિઝાના વિસ્તરણની જાહેરાત કરવામાં આવી હતી. જે યોજના હવે મિડવાઇફ્સ, રેડિયોગ્રાફરો, સોશ્યલ વર્કર અને ફાર્માસિસ્ટ્સ સુધી વધારવામાં આવી છે. ભારતીય મૂળના ઘણા વ્યાવસાયિકોને આ વિસ્તરણથી લાભ થવાની સંભાવના છે.

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે એવી પણ જાહેરાત કરી હતી કે, જેમને એક વર્ષની મુદતના વિઝા આપવામાં આવ્યા આવે છે તેમને દર વર્ષે ભરવાના થતા વિવાદિત ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જના £400 વ્યક્તિ દીઠ ચૂકવવાની જરૂર રહેશે નહીં.

પ્રીતિ પટેલે કહ્યું હતુ કે “અમે કોરોનાવાયરસ સામે લડતા તમામ વિદેશી હેલ્થ અને કેર વર્કરના આભારી છીએ. આ એક્સ્ટેંશન ઓટોમેટીક તથા મફત હશે અને ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાંથી મુક્તિનો પણ તેમાં સમાવેશ કરશે. તબીબી સ્ટાફ પર આ સરચાર્જ બાબતે પણ સમીક્ષા ચાલી રહી છે.

તેમણે એ વાતની ખાતરી આપરી હતી કે જેઓ વાયરસના કારણે મરણ પામ્યા હશે તેમના કુટુંબના સભ્યો અને હેલ્થ કેર વર્કરના આશ્રિતોને તાત્કાલિક ઇનડેફીનેટ લીવ ટુ રીમેન અધિકારો આપવામાં આવશે.

31 માર્ચથી 31 ઑક્ટોબરની વચ્ચે જેમના વિઝા પૂરા થવાના છે તેવા લગભગ 3,000 લોકોને આ યોજનાનો ફાયદો થશે. ભારતીય મૂળના તબીબો સહિત 100થી વધુ ડૉકટરો, નર્સો અને અન્ય હેલ્થ પ્રોફેશનલ્સ કોરોનાવાયરસના કારણે ગુજરી ગયા છે.